હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
આગામી ૨૧મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા કક્ષાની યોગ શિબિરનું આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખુટાલીયા ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ અને સુગ્રથિત બનાવવા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ જિલ્લા યુવા સાંસ્કૃતિક વિભાગના અધિકારીને કાર્યક્રમ સ્થળ પરની તમામ આનુષંગિક વ્યવસ્થાઓ સમયસર અને સુચારુ રૂપે પૂર્ણ કરવા માટે જરૂરી દિશા-નિર્દેશો અને સૂચનો આપ્યા હતા. સાથે તાલુકા કક્ષાની યોગ શિબિર યોજાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.
જિલ્લા કક્ષાની આ યોગ શિબિરમાં નાગરિકો, અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાઈને યોગમય બને તે માટે પ્રોટોકોલ મુજબની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે સંબંધિત વિભાગને તાકીદ કરવામાં આવી છે.
