હિન્દ ન્યુઝ, પાલનપુર
વડાપ્રધાનના નેતૃત્વમાં ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ વિકાસયાત્રાના ભાગરૂપે નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી અને ઝડપથી ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ’ કાર્યરત કરવામાં આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના નાગરિકોના સમય અને નાણાંની બચત સાથે સરકારી સેવાઓને વધુ સરળ, પારદર્શક અને સુલભ બનાવવા માટે આ પોર્ટલ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. આધુનિક અને ડિજિટલ યુગમાં સરકારી સેવાઓ લોકોને આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવાના રાજ્ય સરકારના સંકલ્પને આ પોર્ટલ વધુ મજબૂત બનાવે છે.
રાજ્ય સરકાર દ્વારા પાંચ મુખ્ય વિભાગોની ૨૦ જેટલી હાઈ-ટ્રાન્ઝેક્શન સેવાઓનું ઓનલાઈન સરલીકરણ કરવામાં આવ્યું છે. જેમાં આવકનો દાખલો, જાતિનો દાખલો, રહેઠાણનો દાખલો, નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગોનું પ્રમાણપત્ર, ખેડૂત પ્રમાણપત્ર, વારસાઈ પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર તેમજ રેશનકાર્ડ સંબંધિત વિવિધ સેવાઓનો સમાવેશ થાય છે. હવે નાગરિકોને આ સેવાઓ માટે કચેરીઓમાં ધક્કા ખાવાની જરૂર રહેતી નથી, પરંતુ તેઓ ઘરબેઠાં ઓનલાઈન અરજી કરી શકે છે.
સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. આ પોર્ટલ થકી વહીવટી પ્રક્રિયાઓ વધુ સુલભ, ઝડપી અને ટેકનોલોજી આધારિત બની છે.
પોર્ટલ પર નાગરિકો સરળ ઓનલાઈન નોંધણી કરી વિવિધ સેવાઓ માટે અરજી કરી શકે છે. જરૂરી દસ્તાવેજો ડિજિટલ સ્વરૂપે અપલોડ કરવાની સુવિધા હોવાથી કાગળ આધારિત પ્રક્રિયામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અરજી સબમિટ થયા બાદ તેની સ્થિતિ ઓનલાઈન જાણી શકાય છે. ઉપરાંત અરજીની પ્રક્રિયાના દરેક તબક્કાની માહિતી SMS અને ઈ-મેઈલ દ્વારા અરજદારોને પ્રાપ્ત થાય છે.
અરજી મંજૂર થયા બાદ સંબંધિત પ્રમાણપત્રો અને દસ્તાવેજો ડિજિટલ સ્વરૂપે ડાઉનલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ હોવાથી નાગરિકોને કોઈપણ સમયે અને કોઈપણ સ્થળેથી સેવાઓનો લાભ મળી રહે છે. ૨૪ કલાક અને સપ્તાહના તમામ દિવસોમાં ઉપલબ્ધ આ વ્યવસ્થાથી નાગરિકોના સમય અને નાણાં બંનેની મોટી બચત થઈ રહી છે.
સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની પ્રક્રિયા અત્યંત સરળ છે. અરજદારે પોર્ટલની સત્તાવાર વેબસાઈટ પર જઈ મોબાઈલ નંબરના ઓટીપી વેરિફિકેશન દ્વારા નોંધણી કરવાની રહે છે. ત્યારબાદ યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી લોગિન કરીને જરૂરી સેવા પસંદ કરી ઓનલાઈન અરજી કરી શકાય છે. માંગવામાં આવેલી વિગતો ભરી જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા બાદ અરજી સબમિટ કરવાની રહે છે. અરજી કર્યા પછી મળતા રેફરન્સ નંબર દ્વારા અરજીની સ્થિતિ પણ સરળતાથી જાણી શકાય છે.
રાજ્ય સરકારની આ પહેલ ‘ડિજિટલ ગુજરાત’ના વિઝનને વધુ મજબૂત બનાવતી સાથે ટેકનોલોજીના માધ્યમથી પ્રજાકીય સુખાકારી, સરળ શાસન વ્યવસ્થા અને પારદર્શક સેવાઓનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.
