ગીર સોમનાથ જિલ્લામાં તા. ૧૧ થી ૨૦ જૂન ૨૦૨૬ દરમિયાન ધોરણ ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષાઓ યોજાશે

હિન્દ ન્યુઝ,cગીર સોમનાથ

      ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં તા. ૧૧ જૂનથી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)ની પૂરક પરીક્ષાઓ યોજાનાર છે. 

આ પરીક્ષાના સફળ સંચાલન અને સુનિયોજીત આયોજન માટે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી, વેરાવળ ખાતે જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યોની બેઠક યોજાઈ હતી.

આ બેઠક દરમિયાન નિવાસી અધિક કલેક્ટરએ વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે એસ.ટી. બસ વ્યવસ્થા, ઓ.આર.એસની ઉપલબ્ધતા સહિત આરોગ્ય સેવાઓ, પરીક્ષા કેન્દ્રો પર વીજ પુરવઠાની સુવિધા, કાયદો અને વ્યવસ્થા, પરીક્ષા સંબંધિત માર્ગદર્શન અને કાઉન્સેલિંગ સેન્ટર સહિત વિદ્યાર્થીઓ માટેની સુવિધાઓ અંગે વિગતવાર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરિચાએ એસ.એસ.સી. તથા એચ.એસ.સી. પૂરક પરીક્ષાઓના આયોજન અંગે વિગતવાર માહિતી રજૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ધોરણ-૧૦ની પૂરક પરીક્ષા માટે મણિબહેન કોટક, શબાના ગર્લ્સ હાઈસ્કૂલ, અંકુર સૌરભ હાઈસ્કૂલ, ક્રિસ્ટલ હાઈસ્કૂલ, મહેક અને સનરાઈઝ માધ્યમિક શાળા, અરુણ વિદ્યામંદિર, વિનય મંદિર પરીક્ષા કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે.

જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા આઈ.ડી.ચૌહાણ, તાલાલા ખાતે જ્યારે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા આદિત્ય બિરલા હાઈસ્કૂલ ખાતે યોજાશે.

આ બેઠકમાં જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યો તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment