હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે તા. ૦૫ જૂન થી તા. ૨૧ જૂન ૨૦૨૬ દરમિયાન જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’, ‘પ્રગતિપથ યાત્રા’ તેમજ ‘જન કલ્યાણ શિબિર’ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાશે.
સામૂહિક વિકાસને પ્રોત્સાહન મળે તથા વિકસિત ભારતના સંકલ્પને વ્યાપક લોકસહભાગિતા પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. નાગરિકોની સહભાગીદારી સાથે આગામી સમયમાં જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’, ‘પ્રગતિપથ યાત્રા’ તેમજ ‘જન કલ્યાણ શિબિર’ યોજવા અંગેની બેઠક ઈણાજ, જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ હતી.
અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલે જિલ્લામાં આયોજીત થનાર આ સમગ્ર કાર્યક્રમની વિવિધ વિભાગના શીર્ષ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં જન કલ્યાણ શિબિર યોજવા અંગે માહિતગાર કર્યા હતાં. તેમણે ‘પ્રગતિપથ યાત્રા’ તેમજ ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ વિશે પણ અવગત કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની મુખ્ય યોજનાઓનો સમાવેશ કરીને તા.૧૨ જૂનથી ૨૦ જૂન ૨૦૨૬ દરમિયાન વેરાવળ, સૂત્રાપાડા, તાલાલા સહિત તાલુકાઓમાં છ શિબિર યોજાશે.
આ શિબિરમાં મહત્તમ લાભાર્થીઓને આયુષ્માન ભારત, વયવંદના યોજના, પી.એમ. સૂર્યઘર યોજના, સ્વનિધિ યોજના, નમો લક્ષ્મી, નમો સરસ્વતી સહિત સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવશે.
‘વિકસિત ભારત’ના સંકલ્પને લોકસહભાગિતા પ્રાપ્ત થાય અને છેવાડાના માનવીને આ સંકલ્પોમાં ભાગીદાર બનાવી શકાય તેવા ઉદ્દેશ્યથી તા.૮ જૂન થી ૧૪ જૂન દરમિયાન ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે.
ઉપરાંત નાગરિકો, લોકપ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સમાજના વિવિધ વર્ગો વિકાસની પ્રક્રિયામાં જોડાય તે માટે વિકાસલક્ષી કાર્યો, પ્રવાસન સ્થળો, યાત્રાધામો, શૈક્ષણિક સંસ્થાઓ અને લોકભાગીદારી આધારિત વિકાસ મોડેલોના પ્રદર્શન તથા જનજાગૃતિ માટે ‘પ્રગતિપથ યાત્રા’નું આયોજન કરવામાં આવશે.
તમામ કાર્યક્રમો અંતર્ગત વિવિધ સમિતિઓ બનાવી અને ગ્રામ્ય તેમજ શહેરી કાર્યક્રમોનું આયોજન સુચારુ રીતે થાય તે અંગે અધિક નિવાસી કલેક્ટરએ ઉપસ્થિત સર્વે વિભાગના સંલગ્ન અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં પ્રાંત અધિકારી સર્વ કે.આર.પરમાર, જૈમિન કાકડિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સર્વ ડી.પી.ચૌહાણ, અજય શામળા, શિક્ષણ, સમાજકલ્યાણ, સમાજસુરક્ષા, ખેતીવાડી, રમતગમત સહિત વિભાગના અધિકારીઓ અને સંસ્કૃત યુનિવર્સિટીના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યાં હતાં.
