ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ દ્વારા અગામી તા.૫ જુન સુધી વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન
હિન્દ ન્યુઝ, જામનગર
વિશ્વ તમાકુ નિષેધ દિવસ ૩૧મે ના ભાગરૂપે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ, જામનગર ખાતે “મિશન ૨૦૨૬ : તમાકુ માફિયાનો પર્દાફાશ” અભિયાન અંતર્ગત વિવિધ જનજાગૃતિ, તાલીમ અને શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા આ વર્ષ માટે જાહેર કરાયેલ થીમ “નિકોટિન અને તમાકુ વ્યસનની આકર્ષકતા સામે સત્યનો પર્દાફાશ” ને ધ્યાનમાં રાખીને આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અભિયાનનો મુખ્ય હેતુ સમાજમાં તમાકુ અને નિકોટિન વ્યસન પાછળ રહેલી વાસ્તવિક હાનિકારક અસરોથી જનતાને માહિતગાર કરવાનો છે.
બહારથી આકર્ષક દેખાતા તમાકુના ઉત્પાદનો પાછળ રહેલી ગંભીર આરોગ્ય હાનિ, કેન્સર, હૃદયરોગ તથા અન્ય જીવલેણ અસરો અંગે લોકોમાં જાગૃતિ લાવવી અત્યંત જરૂરી બની છે. “મિશન ૨૦૨૬ : તમાકુ માફિયાનો પર્દાફાશ” અભિયાન દ્વારા લોકોને તમાકુનું સાચું અને ભયાનક ચિત્ર સમજાવી તેમને વ્યસનમુક્ત જીવન તરફ પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ અભિયાન અંતર્ગત જામનગર ડેન્ટલ કોલેજ દ્વારા તા. ૨૦ મે થી ૫ જૂન ૨૦૨૬ દરમિયાન વિવિધ જાગૃતિ કાર્યક્રમો, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, કાઉન્સેલિંગ તાલીમ તથા સમુદાય આધારિત કાર્યક્રમો યોજાનાર છે. અભિયાનના પ્રારંભરૂપે તા. ૨૦ મે ૨૦૨૬ના રોજ હાઇબ્રિડ સ્વરૂપમાં “તમાકુ નિર્વ્યસન કાઉન્સેલિંગ તાલીમ અને વર્કશોપ” નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમ તા. ૨૦, ૨૧ અને ૨૨ મે દરમિયાન યોજવામાં આવ્યો હતો. જેમાં દંતચિકિત્સકો, ઇન્ટર્ન્સ તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ વર્કશોપનો મુખ્ય હેતુ ભવિષ્યના દંતચિકિત્સકો અને આરોગ્ય વ્યવસાયીઓને તમાકુના હાનિકારક પ્રભાવ, નિર્વ્યસન કાઉન્સેલિંગ, દર્દીઓ સાથે અસરકારક સંવાદ તથા તમાકુ છોડાવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે તાલીમ આપવાનો હતો, જેથી તેઓ સમાજમાં તમાકુ વિરોધી જાગૃતિ ફેલાવવા અને લોકોને વ્યસનમુક્તિ તરફ માર્ગદર્શન આપવા વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે. કાર્યક્રમમાં ડેન્ટલ કોલેજના ડીન, એડીશનલ ડીન, વિવિધ વિભાગોના વડાઓની ઉપસ્થિતિમાં આઈ.ઈ.સી. (માહિતી, શિક્ષણ અને સંચાર) સામગ્રીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
