હિન્દ ન્યુઝ, દાહોદ
આપણા દેશમાં ભવિષ્યની યોજનાઓ અને વિકાસની રૂપરેખા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે દાહોદ જિલ્લામાં જનગણના-૨૦૨૭ ના પ્રથમ તબક્કાની એટલે કે ઘર યાદીની કામગીરી આગામી તારીખ ૧ જૂન થી ૩૦ જૂન સુધી હાથ ધરવામાં આવનાર છે. આ રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી થવા અને ઓનલાઈન સ્વ-ગણતરી (Self-Enumeration) કરવા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢાએ દાહોદ જિલ્લાના નાગરિકોને અપીલ કરી છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું છે કે, નાગરિકો જાતે જ પોતાની માહિતી ઓનલાઈન ભરી શકે તે માટે તારીખ ૧૭ મે થી ૩૧ મે સુધી સ્વ-ગણતરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જે અંતર્ગત નાગરિકો સરકારની વેબસાઈટ se.census.gov.in પર લોગીન કરીને પોતાની વિગતો જાતે જ ભરી શકશે. આ ફોર્મ ભર્યા બાદ એક ૧૧ આંકડાનો સ્વ-ગણતરી આઈડી (ID) જનરેટ થશે, જેને સાચવી રાખવાનો રહેશે.
જ્યારે પણ વસ્તી ગણતરીની કામગીરી માટે ગણતરીદાર આપના ઘરે મુલાકાત લે, ત્યારે આ ૧૧ આંકડાનો જનરેટ થયેલો આઈડી તેઓને બતાવવાનો રહેશે. આ પ્રક્રિયાથી કામગીરી વધુ સરળ અને પારદર્શક બનશે.તારીખ ૧ જૂન થી ૩૦ જૂન સુધી ડોર-ટુ-ડોર (ઘરે-ઘરે જઈને) વસ્તી ગણતરીની કામગીરી કરવામાં આવશે.
જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા એ જિલ્લા વહીવટી તંત્ર વતી તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે કે, રાષ્ટ્રહિતની આ કામગીરીમાં પોતાનું સેલ્ફ એન્યુમેરેશન (સ્વ-ગણતરી) ઓનલાઈન કરી, તેમજ ઘરે આવનાર વસ્તી ગણતરી સ્ટાફને સંપૂર્ણ સહકાર આપી, સાચી અને જરૂરી વિગતો પૂરી પાડીને આ રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી બનીએ.
