હિન્દ ન્યુઝ, પોરબંદર
પોરબંદર જિલ્લાના ચોલિયાણા ગામના વતની ડાયાભાઈ ભોજાભાઈ ધોકિયા આજે ખેડૂતો માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ બન્યા છે. માત્ર આશરે ૫ વીઘા જમીન ધરાવતા આ ખેડૂતે પરંપરાગત ખેતીના ચીલાને તોડીને ‘ઝીરો બજેટ’ પ્રાકૃતિક ખેતીના માર્ગે જે સફળતા મેળવી છે, તે અત્યંત પ્રભાવશાળી પ્રેરણારૂપ છે.
ડાયાભાઈ મૂળભૂત રીતે આણંદમાં ઓટોમોબાઈલના વ્યવસાય સાથે જોડાયેલા હતા. પરંતુ, ૨૦૧૯-૨૦માં જ્યારે સમગ્ર વિશ્વ કોવિડ-૧૯ની મહામારી સામે ઝઝૂમી રહ્યું હતું, ત્યારે લોકડાઉનના શાંત સમયમાં તેમને માનવ જીવન અને સ્વાસ્થ્યના મૂલ્યનો ખરો અહેસાસ થયો. આ જ સમયે તેમને વિચાર આવ્યો કે પોતાની જમીન હોવા છતાં કેમ તેનો યોગ્ય અને સ્વાસ્થ્યપ્રદ ઉપયોગ ન કરવો?
તેમણે ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રવચનો, સમાચાર પત્રો અને યુટ્યુબના માધ્યમથી પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી. પ્રકૃતિ પ્રત્યેની પોતાની નૈતિક જવાબદારી સમજીને તેમણે ધીમે-ધીમે ગાયો રાખીને પ્રાકૃતિક ખેતી તરફ ડગલાં માંડ્યા.
ડાયાભાઈએ તેમની જમીનને એક ‘ફાર્મ ફેક્ટરી’માં ફેરવી નાખી છે. તેઓ માને છે કે ખેડૂતને રોજિંદી આવકની જરૂર હોય છે, અને તે માટે તેમણે ‘વેલ્યુ એડિશન’ (મૂલ્યવર્ધન) પર ભાર મૂક્યો છે.
તેઓ હાલમાં આશરે પાંચ વિઘા જમીનમાં સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી ઘઉં, મગ, મગફળી, હળદર, ચણા અને ધાણા જેવા પાકોનું ઉત્પાદન કરી રહ્યા છે. સાથે જ હરડે, કદંબ, નાળિયેર, સરગવો, જમરૂખ, લીંબુ, નાગરવેલ અને કેળા જેવા વિવિધ વૃક્ષો અને બાગાયતી પાકોનું પણ સંવર્ધન કરી રહ્યા છે. મિશ્ર ખેતી અને માઇક્રો મેનેજમેન્ટના કારણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી તેઓ વર્ષે અંદાજે રૂ. ૪.૫ લાખ જેટલી આવક મેળવી રહ્યા છે.ખેતી ઉપરાંત તેઓ ગાય આધારિત ઉત્પાદનો જેમ કે ઘી અને છાસનું વેચાણ કરીને પણ વધારાની આવક મેળવી રહ્યા છે.
ડાયાભાઈએ તેમની સફર વિશે વાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યપાલ શ્રી સહિતના મહાનુભાવોના માર્ગદર્શનથી પ્રેરાઈને તેમણે ગાયો રાખી અને પ્રાકૃતિક ખેતીના પાંચેય આયામો અપનાવ્યા. તેમણે ગર્વ સાથે જણાવ્યું હતું કે આજે તેમની ખેતી બિલકુલ ‘ઝીરો બજેટ’ છે, જેમાં બજારનો એક પણ રૂપિયાનો ખર્ચ થતો નથી અને સામે ઉત્પાદનમાં પણ કોઈ ફેર પડ્યો નથી.
ખેતીના આર્થિક પાસા વિશે ભાર મૂકતા ડાયાભાઈએ જણાવ્યું હતું કે, તેઓ ખેતીને એક ‘ફાર્મ ફેક્ટરી’ માને છે જ્યાં દરેક ઈંચ જગ્યાનો સદુપયોગ થાય છે. તેમણે વિગતવાર જણાવ્યું હતું કે તેઓ માત્ર ખેતી નથી કરતા પણ મૂલ્યવર્ધન કરીને મગફળીનું તેલ, અથાણું, હળદરનો પાવડર અને ગાયનું ઘી સીધું ગ્રાહકોને વેચે છે. તેમણે ખાસ જણાવ્યું હતું કે, “ટીપે ટીપે સરોવર ભરાય” તેમ આ નાની-નાની વસ્તુઓના વેચાણથી તેમની આવક બમણી જ નહીં પણ ત્રણ ગણી વધી ગઈ છે.
અંતમાં તેમણે અન્ય ખેડૂતોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતી પાછળ આંધળી દોટ મૂકવાને બદલે પ્રાકૃતિક ખેતી અપનાવશો તો ખર્ચ ઘટશે અને નફો ચોક્કસપણે વધશે.
ડાયાભાઈ ધોકીયા માત્ર પોતાના ખેતર સુધી સીમિત ન રહી અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરવા માટે સતત પ્રયત્નશીલ છે.
