જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર

    જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યો સર્વ રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરાયેલા લોકપ્રશ્નો અને વિવિધ વહીવટી રજૂઆતોને કલેક્ટરએ ગંભીરતાથી ધ્યાને લીધી હતી. અને સંબંધિત વિભાગના અધિકારીઓને આયોજનબદ્ધ અને ગતિશીલ કામગીરી હાથ ધરીને જનહિતના આ તમામ પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવા તાકીદ કરી હતી.

આ બેઠકમાં ધારાસભ્યોના અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત નાગરિકોની સુખાકારીને સ્પર્શતા વિવિધ વિભાગોના નવા પ્રશ્નો પર પણ વ્યાપક પરામર્શ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યત્વે સ્ટેટ હાઈવે પર સોલાર લાઈટો અને રેડિયમ માર્કિંગ કરવા, સોલાર પ્રોજેક્ટ માટે નવું ટી.સી. આપવા, જમીન ધોવાણ થયેલ ખેડૂતોને સહાય ચૂકવવા, પીવાના પાણીની નવી ટાંકીઓ બનાવવા, ચેકડેમોના નિર્માણ તથા નાની સિંચાઈ યોજનાઓ અને તળાવોના રિપેરિંગ કામો અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારના વિવિધ રસ્તાઓ અને સ્ટ્રીટ લાઈટના કામો, નવી આંગણવાડીઓ મંજૂર કરવી, પ્રાથમિક શાળાઓના મકાનો માટે જગ્યા ફાળવવી, સ્માર્ટ ક્લાસ શરૂ કરવા, ઉચ્ચતર માધ્યમિક શાળા અને નવા પશુ દવાખાના સ્થાપવા જેવા શિક્ષણ અને પશુપાલનને લગતા પ્રશ્નો પણ ચર્ચાના કેન્દ્રસ્થાને રહ્યા હતા.

વધુમાં, ખેડૂતોની વ્યાજ માફી, વિધવા સહાયના પ્રશ્નો, કેનાલ સફાઈ, ગૌચર માટે જમીન ફાળવણી, ડી.આઈ.એલ.આર. અને રેલ્વેને લગતા પ્રશ્નો તેમજ વહીવટી વિભાગોમાં મહેકમ અને ખાલી જગ્યાઓ ભરવા બાબતે વિચારવિમર્શ કરાયો હતો. જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ હેઠળ સમાવવામાં આવેલા નવા ગામડાઓમાં આંતરમાળખાકીય વિકાસના કામો ઝડપથી આગળ વધારવા અને એફ.એમ.જી. ઇન્ટરશીપ પેટે ફીના પ્રશ્નો અંગે પણ બેઠકમાં સકારાત્મક ચર્ચા હાથ ધરાઈ હતી.

કલેક્ટરએ સંકલન સમિતિના તમામ સભ્યો અને અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિઓ તરફથી મળતી રજૂઆતો એ સીધી પ્રજાની અપેક્ષાઓ છે, તેથી તેને સર્વોચ્ચ અગ્રતા આપી તેનો હકારાત્મક ઉકેલ લાવવો અત્યંત જરૂરી છે.

Related posts

Leave a Comment