દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) સહિત રાજય અને દેશભરમાં “પીએમ સૂર્ય ઘર: મુફ્ત બીજલી યોજના (PMSGMBY)” અંતર્ગત મે-૨૦૨૬ને “સોલાર માસ” તરીકે ઉજવવામાં આવશે

હિન્દ ન્યુઝ, સુરત

 ભારત સરકાર દ્વારા તા.૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ શરૂ કરવામાં આવેલી “પીએમ સૂર્ય ઘર: મુફ્ત બીજલી યોજના” હેઠળ દેશભરમાં એક કરોડ રહેણાંક ઘરોમાં રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય રાખવામાં આવ્યો છે. જે માટે રૂા.૭૫,૦૨૧ કરોડના નાણાકીય ખર્ચ સાથે ત્રણ કિલોવોટ સુધીની રૂફટોપ સોલાર સ્થાપન માટે પ્રતિ ગ્રાહક રૂા.૭૮૦૦૦ સુધીની કેન્દ્રીય આર્થિક સહાય ઉપલબ્ધ હોવાથી, આ યોજના ઘરેલુ ગ્રાહકો માટે સ્વચ્છ ઊર્જા ઉત્પાદન અને માસિક વીજબીલમાં નોંધપાત્ર ઘટાડો કરવાની ઉત્તમ તક પ્રદાન કરે છે.

            ઉનાળાની ઋતુ દરમિયાન સૂર્યપ્રકાશનું પ્રમાણ વધુ રહેતું હોવાથી તથા વીજળીની માંગમાં વધારો થતો હોવાથી, રૂફટોપ સોલાર અંગે જનજાગૃતિ વધારવા અને વધુમાં વધુ ગ્રાહકોને યોજનાનો લાભ મળે તે હેતુસર મે-૨૦૨૬ને “સોલાર માસ” તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયબદ્ધ અને કેન્દ્રિત અભિયાન દ્વારા “પીએમ સૂર્ય ઘર: મુફ્ત બીજલી યોજના” અંતર્ગત રૂફટોપ સોલારના વ્યાપને વધુ ગતિ આપવામાં આવશે.


         આ અભિયાન અંતર્ગત મે-૨૦૨૬ દરમિયાન નીચે મુજબના ચાર મુખ્ય મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે:

(અ) ગ્રાહક દ્વારા અરજીઓ:

“પીએમ સૂર્ય ઘર” રાષ્ટ્રીય પોર્ટલ પર વધુમાં વધુ અરજીઓ પ્રાપ્ત થાય તે માટે રહેણાંક ગ્રાહકો, રહેણાંક કલ્યાણ સંસ્થાઓ તેમજ ગ્રુપ હાઉસિંગ સોસાયટીઓમાં જાગૃતિ અભિયાન અને વિશેષ સંપર્ક કાર્યક્રમો યોજવામાં આવશે. (https://pmsuryaghar.gov.in)


(બ) રૂફટોપ સોલાર સ્થાપન:

         રજિસ્ટર્ડ વેન્ડરો દ્વારા વધુમાં વધુ રૂફટોપ સોલાર સ્થાપન પૂર્ણ થાય તથા સોલાર રૂફટોપ સિસ્ટમ ઝડપથી કાર્યરત થાય તે માટે ખાસ કામગીરી હાથ ધરવામાં આવશે.


(ક) વીજ વીતરણ કંપની દ્વારા સોલાર સ્થાપનનું ઇન્સ્પેક્શન:

         બાકી રહેલ ઇન્સ્પેક્શન પ્રક્રિયાઓને પ્રાથમિકતાથી પૂર્ણ કરવા તેમજ નવી અરજીઓનું ઝડપી નિરાકરણ કરવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે, જેથી પાત્ર ગ્રાહકોને કેન્દ્રીય આર્થિક સહાય (CFA) સમયસર પ્રાપ્ત થઈ શકે.


(ડ) વેન્ડર નોંધણીઓ:

         રાજ્ય સ્તરે વધુમાં વધુ વેન્ડર નોંધણીઓ થાય તે માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવશે, જેથી ગ્રાહકોને વધુ વિકલ્પો ઉપલબ્ધ થઈ શકે.

          વધુમાં, નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા મે-૨૦૨૬ દરમિયાનના પ્રદર્શનના આધારે રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને સન્માનિત કરવામાં આવશે. “પીએમ સૂર્ય ઘર” રાષ્ટ્રીય પોર્ટલના આંકડાઓના આધારે નીચે મુજબની ચાર કેટેગરીમાં પુરસ્કારો આપવામાં આવશે:

* સૌથી વધુ ગ્રાહક અરજીઓ પ્રાપ્ત કરનાર રાજ્ય

* સૌથી વધુ રૂફટોપ સોલાર સ્થાપન કાર્યરત કરનાર રાજ્ય

* સૌથી વધુ સોલાર સ્થાપનોનું ઇન્સ્પેક્શન પૂર્ણ કરનાર રાજ્ય

* સૌથી વધુ વેન્ડર નોંધણીઓ કરનાર રાજ્ય

             દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા તમામ વીજ ગ્રાહકોને “પીએમ સૂર્ય ઘર: મુફ્ત બીજલી યોજના”નો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

         યોજનાની વધુ માહિતી માટે ગ્રાહકો DGVCLની વેબસાઈટ www.dgvcl.com ની મુલાકાત લઈ શકે છે અથવા કસ્ટમર કેર સેન્ટર નંબર ૧૯૧૨૩ પર સંપર્ક કરી શકે છે.

         આ યોજનાના લાભાન્વિત ગ્રાહકો વીજ બિલમાં નોંધપાત્ર ઘટાડો કરીને આર્થિક લાભ મેળવવાની સાથે ગુજરાત રાજ્યને ઉપરોક્ત તમામ કેટેગરીમાં અગ્રેસર રાખવામાં પોતાનું યોગદાન આપશે તથા રાજ્યને પુરસ્કારો પ્રાપ્ત કરવામાં સહભાગી બની ગુજરાતનું ગૌરવ વધારશે.

Related posts

Leave a Comment