હિન્દ ન્યુઝ, દાહોદ
રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર ધ્વારા રાજ્યની મહા નગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠકોની પર ચૂંટણી યોજવા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ દાહોદ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, દાહોદ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે દાહોદ જિલ્લામાં તા.૦૧/૦૪/૨૦૨૬ થી આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. સદરહું ચૂંટણીઓ અન્વયે તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન અને મતગણતરી તા. ૨૮/૦૪/૨૦૨૬ ના રોજ યોજનાર છે તેમજ ચૂંટણી પ્રક્રિયા તા.૩૦/૦૪/૨૦૨૬ ના રોજ પૂર્ણ થનાર છે. ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જળવાઈ રહે તથા શાંતિપુર્ણ રીતે ચૂંટણીઓ સંપનન થાય તે માટે શસ્ત્ર અધિનિયમ- ૧૯૫૯ની કલમ-રર(ખ)ની જોગવાઈઓ અન્વયે હથિયારો જમા લેવા જરૂરી જણાય છે.
આ બાબતે શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ ની કલમ ર૨(ખ)ની જોગવાઈઓ અન્વયે તથા મળેલ સત્તાની રૂએ જે.એમ.રાવલ (GAS) અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દાહોદ દ્વારા સમગ્ર દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી – ૨૦૨૬ દરમયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ધ્યાને લઈ તેમજ સુલેહ શાંતી જળવાઈ રહે તે હેતુથી દાહોદ જિલ્લાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં પાક રક્ષણ તથા જાત રક્ષણના પરવાનેદારોને તેઓના હથિયાર તા.૦૧/૦૪/૨૦૨૬ થી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધીની મુદત માટે જે તે સબંધિત નજીકના પોલીસ સ્ટેશન ખાતે જાહેરનામાની તારીખ થી સાત દિવસમાં જમા કરાવવા હુકમ કરવામાં આવે છે. આ સંદર્ભે પ્રાંત અધિકારીની સમિતિનો નિર્ણય આખરી રહેશે.
આ આદેશ જિલ્લા મેજિસ્ટ્રેટ દાહોદ તરફથી ઈસ્યુ કરાયેલ લાયસન્સો સિવાય બીજા પણ દરેક હથિયાર પરવાનેદારો કે જેઓએ બીજા કોઈપણ હથિયાર લાયસન્સ આપનાર સત્તાધિકારી તરફથી હથિયાર લાયસન્સ મેળવેલ હોય તેમને પણ લાગુ પડશે તેમજ આ આદેશ સમગ્ર દાહોદ જિલ્લામાં દાહોદ વિસ્તારોમાં રહેતા અને મુલાકાતે આવેલ તમામ હથિયાર પરવાના ધારકોને લાગુ પડશે. તેમજ હથિયાર ખરીદ વેચાણ કરતાં પરવાનેદારો હથિયાર ખરીદ વેચાણ આ સમયગાળા દરમિયાન કરશે તો પણ હથિયારની સોંપણી આ જાહેરનામાંની તારીખથી બે માસ સુધી કે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં સુધી પરવાના ધારકોને કરી શકશે નહિ. ચૂંટણીની પ્રક્રિયા પુર્ણ થયે સબંધીત પરવાનેદાર ચૂંટણી દરમ્યાન કોઈ ગુન્હામાં સંડોવાયેલ ન હોય તો નિયમોનુસાર હથિયાર પરત કરવાના રહેશે.
અપવાદ
સદર હુકમ રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેન્કો, રમત-ગમત પરવાના, ઔદ્યોગિક એકમો, જાહેર સાહસો, સરકારી કચેરીઓના સીકયુરીટી ગનમેન, ફરજ પરના તમામ પોલીસ અધિકારીશ્રીઓ, પોલીસ કર્મચારીશ્રીઓ, લશ્કરી તથા અર્ધલશ્કરી દળના કર્મચારીઓ કે જેઓને પોતાની ફરજ અંગે હથિયાર સાથે રાખવા પડતા હોય તો તેવાં હથિયાર જમા કરાવવાના રહેશે નહી.
અમલવારીનો સમય અને વિસ્તાર
આ જાહેરનામું હુકમની તારીખથી તા.૩૦.૦૪.૨૦૨૬ ના ૨૪:૦૦ કલાક સુધી અમલમાં રહેશે. અને સમગ્ર દાહોદ જિલ્લાના મહેસૂલી હદ વિસ્તારમાં લાગુ પડશે.
શિક્ષા
આ હુકમનો અનાદર કરનાર અથવા તેમ કરવામાં મદદગારી કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૧૩૫(૧) તથા ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ તેમજ તેમનાથી ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી/કર્મચારીઓને પોલીસ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે એમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દાહોદ દ્વારા જાહેરનામા દ્વારા જણાવાયું છે.
