હિન્દ ન્યુઝ, આણંદ
ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલસરી એજયુકેશન એકટ-૨૦૦૯ની કલમ ૧૨ (૧) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ વિનામૂલ્યે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોને ૧ જૂન-૨૦૨૬ના રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય તેજ બાળકો આ યોજનાના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે.
જે અંતર્ગત અનાથ બાળક, સંભાળ અને સરંક્ષણની જરૂરિયાતવાળું બાળક, બાલગૃહના બાળકો, બાળમજુર/સ્થળાંતરીત મજુરના બાળકો, મંદબુધ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા-૨૦૧૬ની કલમ-૩૪ (૧)માં દર્શાવ્યા મુજબના તમામ દીવ્યાંગ બાળકો, (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરપી (એઆરટી)ની સારવાર લેતા બાળકો, ફરજ દરમ્યાન શહીદ થયેલ લશ્કરી અર્ધ લશ્કરી પોલીસ દળના જવાનના બાળકો, જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દિકરી, રાજય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો, ૦ થી ૨૦ આંક ધરાવતાં તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ તથા અન્ય)ના BPL કુટુંબના બાળકો, અનુસૂચિત જાતિ (SC) તથા અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ વિચરતી અને વિમુકત જાતિના બાળકો (સદર કેટેગરીમાં વિચરતી અને વિમુકત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે), સામાન્ય (જનરલ) કેટેગરી/બિન અનામત વર્ગના બાળકોને અગ્રતાક્રમ મુજબ પ્રવેશ આપવામાં આવશે. નોંધનીય છે કે અગ્રતાક્રમ કે જેમાં માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દિકરી, અનુસૂચિત જાતિ (SC) તથા અનુસૂચિત જનજાતિ (ST), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગો, વિચરતી અને વિમુકત જાતિના બાળકો અને સામાન્ય (જનરલ) કેટેગરી/બિન અનામત વર્ગના બાળકો માટે શિક્ષણ વિભાગના તા.૧૩/૦૩/૨૦૨૫ના પત્ર મુજબ ગ્રામ્ય તથા શહેરી એમ બંને વિસ્તારમાં વાર્ષિક રૂા. ૬ લાખની આવક મર્યાદા લાગુ પડશે. પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ પ્રવેશ આપવામાં આવશે.
પ્રવેશ મેળવવા માટે બાળકના વાલીઓએ https://rte.orpgujarat.com વેબસાઈટ પર તા. ૦૪-૦૪-૨૦૨૬ થી તા.૧૭-૦૪-૨૦૨૬ સુધીમાં પ્રવેશ ફોર્મ ભરી શકશે. પ્રવેશ અંગેની જરૂરી વિગતો અને જાણકારી વેબસાઈટ પર મૂકવામાં આવી છે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો. તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.ફોર્મ ભરવામાં કોઇપણ મૂંઝવણ જણાય તો જિલ્લા પંચાયત,આણંદ ખાતે આવેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, આણંદનો સંપર્ક કરવા અથવા કચેરીના હેલ્પલાઈન નંબર ૦૨૬૯૨ – ૨૬૩૨૦૫ પર સંપર્ક કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. અર્ચનાબેન પ્રજાપતિ દ્વારા જણાવાયું છે.
