હિન્દ ન્યુઝ, બોટાદ
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા-૨૦૨૬ બોટાદ જિલ્લામાં આગામી તા.૦૪/૦૪/૨૦૨૬ના રોજ સવા૨ના ૧૧:૦૦થી ૧૩:૩૦ કલાક સુધી કુલ-૩૭ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે બોટાદ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ મળેલા અધિકારની રૂએ ફરમાવ્યું છે કે, આગામી તા.૦૪/૦૪/૨૦૨૬ના રોજ સવા૨ના ૧૧:૦૦થી ૧૩:૩૦ કલાક કુલ-૩૭ પરીક્ષા કેન્દ્રો ખાતે તથા જિલ્લાના સ્ટ્રોંગરૂમ (સરકારી હાઇસ્કૂલ, સ્ટેશન રોડ, બોટાદ) ખાતે પ્રતિબંધો રહેશે.
જેમાં પરીક્ષા કેન્દ્રો અને સ્ટ્રોંગરૂમના કમ્પાઉન્ડની ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ-ફેક્સ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ/ફેક્સ મશીનના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વિગેરે ધ્વનિ વર્ધક સાધનોના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રોમાં મોબાઇલ ફોન લઇ જવા પર, પરીક્ષા કેન્દ્રો અને સ્ટ્રોંગરૂમના કમ્પાઉન્ડની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર, પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય કોઇ અનઅધિકૃત વ્યક્તિએ પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશવા પર, સ્ટ્રોંગરૂમના કમ્પાઉન્ડની ૧૦૦ મીટર ત્રિજ્યામાં અનઅધિકૃત વ્યકિતઓના પ્રવેશ પર, સ્ટ્રોંગરૂમના કમ્પાઉન્ડની ૧૦૦ મીટર ત્રિજયામાં ખાનગી કાર્યક્રમ કરવા પર સહિતના પ્રતિબંધો રહેશે.
જાહેરનામાનું ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ સજા થશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલાં લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.
