હિન્દ ન્યુઝ, નવસારી
નવસારી મહાનગરપાલિકા આંગણે યોજાયેલ બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ ગ્રામ્ય જીવનમાં આશા, આત્મવિશ્વાસ અને નવી ઓળખનું પ્રતિક બની રહ્યું છે. આધુનિક જીવનશૈલીમાં પૌષ્ટિક આહારનું મહત્વ ફરીથી સ્થાપિત કરવા અને વિસરાતા જતા પ્રાચીન ધાન્ય ‘મિલેટ્સ’ને ફરી લોકો સુધી પહોંચાડવા સાથે, આ મહોત્સવે ખેડૂતોને એક એવું વેચાણ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે જ્યાં તેમની મહેનતને યોગ્ય કિંમત અને ઓળખ બંને મળી રહી છે. ઇટાવાળા રોડ સ્થિત બી.આર. પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો શુભારંભ રાજ્યના મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે થયો હતો, જે પ્રસંગે ઉપસ્થિત દરેક વ્યક્તિએ આ પહેલને હૃદયપૂર્વક આવકાર્યો હતો.
વાંસદા તાલુકાની મોટીભમતી ગામના સહ્યાદ્રી ઓર્ગેનિક લોક સેવા ટ્રસ્ટનો સ્ટોલ અહીં ખાસ ધ્યાન આકર્ષિત કરતો રહ્યો, જ્યાં ગામડાંની માટીમાંથી ઉગેલા મિલેટ્સ હવે શહેરના લોકો સુધી ગૌરવ સાથે પહોંચતા નજરે પડ્યા. આ સંસ્થા સાથે જોડાયેલા ૩૦૦થી વધુ ખેડૂતો અને સખી મંડળ માટે આ માત્ર એક સ્ટોલ નથી, પરંતુ તેમની મહેનતનું પ્રતિબિંબ છે. પહેલાં જે ઉત્પાદનોને યોગ્ય બજાર મળતું નહોતું, તે આજે આવા સરકારી પ્લેટફોર્મના કારણે સીધા ગ્રાહકો સુધી પહોંચી રહ્યા છે, જેના પરિણામે તેમની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.
સંસ્થાના કોઓર્ડિનેટર નિકિતાબેન ભાવુકતા સાથે જણાવે છે કે, “આવા પ્લેટફોર્મ અમને માત્ર વેચાણની તક નથી આપતા, પરંતુ જીવવાની નવી આશા આપે છે.” આ શબ્દોમાં છુપાયેલો અનુભવ એ દર્શાવે છે કે, સરકાર દ્વારા મળતું આ સહકાર કેટલો મહત્વપૂર્ણ છે. હવે ખેડૂતો માત્ર ઉત્પાદનકાર નથી રહ્યા, પરંતુ આત્મનિર્ભર ઉદ્યોગસાહસિક તરીકે ઉભરી રહ્યા છે.
આ સાથે નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને આ બે દિવસીય મિલેટ મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પૌષ્ટિક અને આરોગ્યપ્રદ મિલેટ ઉત્પાદનોનો લાભ લેવા તથા સ્થાનિક ખેડૂતોને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી છે. આ મહોત્સવમાં હાજરી આપવી એ માત્ર ખરીદી નહીં, પરંતુ ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવામાં આપનો એક નાનો પરંતુ મહત્વપૂર્ણ ફાળો બની શકે છે.
આ મિલેટ મહોત્સવ એ સાબિત કરે છે કે, યોગ્ય માર્ગદર્શન અને વેચાણ માટેનું સશક્ત પ્લેટફોર્મ મળે તો ગામડાંની મહેનત પણ શહેરમાં પોતાની ઓળખ બનાવી શકે છે. ‘ધરતીનું સોનું’ ગણાતા મિલેટ્સ હવે માત્ર આરોગ્ય માટે નહીં, પરંતુ ગ્રામ્ય વિકાસ અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાના મજબૂત આધાર તરીકે પણ ઊભરી રહ્યા છે.
