હિન્દ ન્યુઝ, ડાંગ
ભારતના ૧૪માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી આજથી બે દિવસીય દંડકારણ્યની પાવન ધરા ડાંગ જિલ્લાના મહેમાન બન્યા છે, ત્યારે આ બે દિવસ દરમિયાન તેઓના વરદ હસ્તે કુલ ૮ હનુમાન મંદિરોનો ૨૫મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય રહ્યો છે. ૩૧૧ હનુમાન મંદિરોના નિર્માણ યજ્ઞ “ડાંગ પ્રયાગ હનુમાન યાગ” પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે શનિવારે આહવા તાલુકામાં આવેલા કુલ ૬ મંદિરનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે તેમની સાથે ૩૧૧ મંદિર નિર્માણનો સંકલ્પ લેનાર રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઇ ધોળકિયા અને હનુમાન મંદિર નિર્માણના પ્રેરણામૂર્તિ ડાંગના પ્રયોશા પ્રતિષ્ઠાનના સંસ્થાપક પી.પી.સ્વામીજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ડાંગ જિલ્લાના ૩૧૧ ગામોના સર્વાંગી વિકાસ અને બાળકોમાં સંસ્કારના બીજ રોપાય તેમજ ગ્રામજનો વચ્ચે એકતા અને સંગઠનનો ભાવ વિકસે તે માટે સેવાના ભેખધારી અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાએ ડાંગના પ્રયોશા પ્રતિષ્ઠાનના સંસ્થાપક પી.પી.સ્વામીજી પાસેથી પ્રેરણા મેળવી ૩૧૧ મંદિર બનાવવાનો સંકલ્પ લીધો હતો. જે પૈકી અત્યાર સુધીમાં ૧૭૫ મંદિરો નિર્માણ થઈ ચૂક્યા છે. મંદિર ક્રમાંક : ૧૬૮ થી ૧૭૫ – આઠ મંદિરોના ૨૫ માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આદિવાસી સંસ્કૃતિ સાથે ભવ્ય પ્રારંભ થયો હતો. પહેલા દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની પત્ની અને પુત્રી, રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઇ અને દાતાશ્રીઓ સાથે બોરથડા, બહેડાનામાળ, ડોન, મુરમબારી, કોદમાળ અને કલમવિહિર ગામમાં નિર્માણ થયેલા હનુમાન દાદાના મંદિરોનું લોકાર્પણ કર્યું હતું. ઉપરોક્ત ગામોમાં પૂર્વ રાષ્ટ્રપતિશ્રીનું આગમન થતા આદિવાસી બાંધવોએ ઉમેળકાભેર ડાંગી, પાવરી અને રામાયણ નૃત્ય કરી આદિવાસી વાજિંત્રોના તાલે સ્વાગત કર્યું હતું. આ તબક્કે આદિવાસી સમાજની બહેનોએ સાત દિવસ અગાઉ ઉગાડેલા ધાન્ય (ડાંગી ભાષામાં ગવરાય)ને ટોકરીમાં લઈ પૂર્વ રાષ્ટ્રપતિનું હર્ષોલ્લાસભેર સ્વાગત કર્યું હતું.
પૂર્વ રાષ્ટ્રપતિ અને રાજયસભાના સાંસદ એ પણ આ ધાન્યની ટોકરી માથા પર મૂકી આદિવાસી રંગે રંગાયા હતા. દરેક મંદિરોમાં હનુમાન દાદાની આરતી અને હનુમાન ચાલીસાનું પઠન કરી ધન્યતા અનુભવી હતી. આ મુલાકાત વેળા ગામમાં આદિવાસી સમાજના લાભાર્થીઓને સહાય પણ વિતરણ કરવામાં આવી હતી.
ડાંગ જિલ્લાના ગામોમાં પ્રજાજનોની સુવિધા માટેના વિકાસકાર્યો અંગે પણ પૂર્વ રાષ્ટ્રપતિ એ માહિતી મેળવી હતી.
આદિવાસી બાંધવોને સંબોધી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું કે, બાળકો દેશનું ભવિષ્ય છે. આ જ બાળકમાંથી ભવિષ્યમાં કોઈ મુખ્યમંત્રી, વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ બની શકે છે. જેથી બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કારના પણ બીજ રોપાય એ જરૂરી છે. બાળકોને શિક્ષણથી વંચિત ન રાખતા એવી શીખ આપી વધુમાં જણાવ્યું કે, બાળકો શિક્ષણ મેળવશે તો જ ગામની, રાજ્યની અને રાષ્ટ્રની ઉન્નતી થશે. હનુમાનજીની ભક્તિ અને કૃપાથી તેઓ ઉત્તરપ્રદેશના એક નાનકડા ગામમાંથી રાજ્યસભા, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની પદવી સુધી પહોંચી શક્યા હોવાનું જણાવ્યું હતું. આ સાથે તેમણે ઉમેર્યું કે, તમારા ગામમાં હનુમાન દાદા બિરાજ્યા છે ત્યારે આપણા ગામમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે એવી પ્રાર્થના કરીએ. જીવનમાં કોઇ પણ સંકટ આવે તો હનુમાનજીનું નામ લઈએ તો સંકટ દૂર થઈ જાય છે.
વધુમાં તેઓએ પોતાના બાળપણના પ્રસંગો વર્ણાવતા જણાવ્યું કે, તેઓ જ્યારે બાળક હતાં ત્યારે ગામમાં આવેલ હનુમાનજી મંદિરમાં સૌથી પહેલી હરોળમાં ભજન માટે બેસતા, અને પાઠ અથવા કીર્તનની દરેક સ્પર્ધામાં તેઓ પ્રથમ નંબર મેળવતાં આ અંગેનો ઉલ્લેખ તેઓએ પોતાની આત્મકથામાં કર્યો છે. જે ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવનાર છે. વધુમાં તેમણે આ મંદિરોના નિર્માણનો શ્રેય મંદિર માટે જમીન દાનમાં આપનાર દાતાઓ અને ગોવિંદ કાકાને આપ્યો હતો.
રાજ્યસભાના સાંસદશ્રી અને ૩૧૧ મંદિરના સંકલ્પકર્તા ગોવિંદભાઇ ધોળકિયાએ જણાવ્યું કે, પુણ્યનો ઉદય થાય ત્યારે આપણા ગામની પાવન ધરા પર વિશેષ વ્યક્તિનું આગમન થતું હોઈ છે. પુણ્યના પ્રતાપરૂપે આજે પૂર્વ રાષ્ટ્રપતિશ્રીનું ગામમાં આગમન થયું છે. જે આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે. આજે જે રીતે તમે બધાએ મહેનત કરી હનુમાન દાદાનું ઘર (મંદિર) બનાવ્યું તેમ દાદાને પ્રાર્થના કરીએ કે, આપણા બધાના ઘર પણ પાક્કા બની જાય. તમને બધાને પ્રાર્થના છે કે, આજથી તમારા ગામમાં ભગવાન પધાર્યા છે તો બધા ગ્રામજનો વ્યસનમુક્ત રહે એવી આશા રાખું છું.
આ વેળા ‘ડાંગ પ્રયાગ, હનુમાન યાંગ’ ૩૧૧ હનુમાન મંદિરોના નિર્માણ કાર્યના યજમાનો, દાતાઓ, તથા સેવાભાવી સ્વયંસેવકો, હનુમાનભકતો, તથા ગ્રામજનો સહિત પી.પી.સ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા.
