હિન્દ ન્યુઝ, સંજેલી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકાના માંડલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપલાન અને ગૌસંવર્ધન રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને સેવાસેતુ ૨.૦ કાર્યક્રમ યોજાયો હતો.
ગ્રામ્ય વિસ્તારમાં ઘર આંગણે નાગરિકોને વિવિધ જનહિતકારી યોજનાઓના લાભ સરળતાથી મળી રહે એ માટે સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે. દીપ પ્રાગટ્ય થકી શરુ થયેલા આ કાર્યક્રમમાં માંડલી પ્રાથમિક શાળાની બાળકીઓએ સ્વાગત ગીત રજુ કર્યું હતું. ત્યાર બાદ સંજેલી મામલતદાર એ શાબ્દિક પ્રવચન કર્યું હતું.
આ અવસરે મંત્રી એ જણાવ્યું કે, રાજ્ય સરકાર સામાન્ય નાગરિકોને વિવિધ ૫૬ જેટલી જનહિતકારી સુવિધાઓનો લાભ સેવાસેતુ થકી ઘરઆંગણે જ ઉપલબ્ધ કરાવ્યો છે. રાજ્ય સરકારે સામાન્ય માણસનું હિત હંમેશા લક્ષમાં રાખીને જ કામગીરી કરી છે. રાજ્યમાં સેવાસેતુ કાર્યક્રમ થકી નાગરિકોને ઘરઆંગણે જ સુવિધાઓ મળી રહેતાં લોકોને મોટી રાહત થઇ છે.
વધુમાં મંત્રી એ રાજ્ય સરકાર દ્વારા પૂરી પડાતી વિવિધ જનહિતલક્ષી યોજનાઓ તેમજ સુવિધાઓનો મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ઘરઆંગણે જયારે સેવાસેતુ થકી વિવિધ સુવિધાઓ પૂરી પડાઇ રહી છે ત્યારે ગ્રામજનોએ પણ તેનો અવશ્ય લાભ લેવો જોઇએ.
આ અવસરે મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી, એ.પી.એમ.સી.ચેરમેન, શાળા સ્ટાફ, જિલ્લા પંચાયતના સભ્યઓ, તાલુકા પંચાયતના સભ્યઓ, સરપંચઓ, અન્ય આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
