હિન્દ ન્યુઝ, જૂનાગઢ
લોકશાહી શાસન વ્યવસ્થાના ગુણો ગુજરાતના યુવક અને યુવતીઓમાં વિકસે, યુવા વર્ગમાં મતદાનનું મહત્વ સમજાય તથા ચૂંટણી વ્યવસ્થાની ટેકનિકલ માહિતી યુવાનોને મળે જેનાથી રાષ્ટ્ર નિર્માણ અને લોકતંત્ર મજબૂત થાય તેવા ઉમદા આશય સાથે જૂનાગઢ જિલ્લા અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ૧૫ થી ૨૯ વર્ષના યુવાનો માટે ‘યુથ એસેમ્બલી’નું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ ગ્રામ્ય અને મહાનગરપાલિકા કક્ષાની દરેક વિધાનસભા દીઠ યોજાયેલ આ કાર્યક્રમ ડૉ. સુભાષ યુનિવર્સિટી અને નોબેલ યુનિવર્સિટી ખાતે સંપન્ન થયો હતો.
આ સ્પર્ધામાં સહભાગી થયેલા યુવાનોએ ચૂંટણીમાં મતદાનનું મહત્વ, ક્લાઇમેટ ચેન્જ અને આબોહવા પરિવર્તન જે પૃથ્વી માટે સૌથી મોટો ખતરો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વરદાન કે અભિશાપ, ફિટ ભારત હિટ ભારત તેમજ આત્મનિર્ભર ભારત અંતર્ગત ભારતમાં બનાવો અને વિશ્વ માટે બનાવો જેવા ગહન વિષયો પર પોતાના મૌલિક વિચારો અને તાર્કિક પ્રસ્તુતિ રજૂ કરી હતી. યુવા વક્તાઓએ આ વિષયો દ્વારા વર્તમાન સમયના પડકારો અને તેના ઉકેલ અંગેના અભિપ્રાયો રજૂ કરી નિર્ણાયકોને પ્રભાવિત કર્યા હતા.
સ્પર્ધાના અંતે વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પુષ્ટી એન. રૂપારેલીયા અને જૂનાગઢ મહાનગરપાલિકાની સ્પર્ધામાં નેહલ ચોરવાડીયાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ બંને વિજેતાઓ હવે રાજ્યકક્ષાની સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
