હિન્દ ન્યુઝ, સુરત
નવી સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન અને સૌહાર્દપૂર્ણ સંબંધો કેળવાય તે હેતુથી ખાસ ‘હોળી સ્પેશિયલ કપ’ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. તબીબી સેવામાં સતત વ્યસ્ત રહેતા કર્મચારીઓ તણાવમુક્ત બને અને રમતગમત દ્વારા એકબીજા સાથે જોડાય તેવા શુભ આશ્યથી બે દિવસીય આ ટુર્નામેન્ટમાં હોસ્પિટલમાં ૨૪ કલાક ફરજ બજાવતા વિવિધ ૧૨ વિભાગોની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ટુર્નામેન્ટની રસાકસી ભરી ફાઈનલ મેચમાં નર્સિંગની ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજેતા ટ્રોફી પોતાના નામે કરી હતી, જ્યારે મેડિકલ કોલેજની ટીમ રનરઅપ બની હતી. આ સ્પર્ધામાં હોસ્પિટલના PIU, RMO ઓફિસ, સેનેટરી ઈન્સ્પેક્ટર વિભાગ, ઈલેક્ટ્રિક અને રેડિયોલોજી વિભાગ, મેડિકલ કોલેજ અને મેડિકલ ટીમ, નર્સિંગ ટીમ મળીને વિવિધ વિભાગની ૧૨ ટીમો વચ્ચે મેચ રમાઈ હતી.
વિજેતા ટીમને નર્સિંગ કાઉન્સિલના ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલાના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે વિરેન પટેલ, પ્રમોદ પટેલ, કર્ણિકભાઈ પટેલ અને સંજય પરમાર વિશેષ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સમગ્ર ટુર્નામેન્ટનું સફળ આયોજન રાજુ પટેલ, લોકેશ સિંગ અને શિવરાજ સિંગ દ્વારા કરવામાં આવ્યું હતું.
