હિન્દ ન્યુઝ, જૂનાગઢ
જૂનાગઢમાં ખેડૂત વૈજ્ઞાનિક વાર્તાલાપ અંતર્ગત આજથી બે દિવસીય તાલીમનો પ્રારંભ થયો છે. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પેદાશોનું બજાર વ્યવસ્થાપન, જમીનના આરોગ્યની સુધારણા સહિતના મુદ્દે કૃષિ તજજ્ઞો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જૂનાગઢ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરી દ્વારા આયોજિત બે દિવસીય પ્રાકૃતિક કૃષિ સંદર્ભેની તાલીમમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર સુનિલ છોડવડીયાએ પ્રાકૃતિક કૃષિના આધાર સ્તંભરૂપ પાંચ આયામો, જમીનનું આરોગ્ય અને પોષક તત્વોનું સંચાલન વિશે માર્ગદર્શન કર્યું હતું, ઉપરાંત આસિસ્ટન્ટ પ્રોફેસર કેવલ હિરપરાએ પણ પ્રાકૃતિક કૃષિમાં પિયત વ્યવસ્થાપન અને જળસંચય તથા બાયો ઇનપુટ બનાવવાની પદ્ધતિઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
સંયુક્ત ખેતી નિયામક એસ.એમ. ગધેસરિયાની પણ પ્રેરક ઉપસ્થિતિમાં જૂનાગઢ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડી.જી રાઠોડે પણ પ્રાકૃતિક કૃષિના મહત્વ વિશે ખેડૂતોને અવગત કર્યા હતા, આત્માના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર સંદીપ પરમાર પ્રાકૃતિક કૃષિ પેદાશોના બજાર વ્યવસ્થાપન વિશે જાણકારી આપી હતી. ઉપરાંત બાગાયત અધિકારી રાજેશ ચૌહાણે પણ પ્રાકૃતિક કૃષિમાં બાગાયત ખેતીનું મહત્વ અને બાગાયત ખેતી વિશેની યોજનાકીય માહિતી આપી હતી.
જૂનાગઢમાં સરદાર બાગ ખાતે પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરી ખાતે આયોજિત આ તાલીમમાં જિલ્લાના ૩૭ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. આ તાલીમ આવતીકાલ તા.૨૫- ૨-૨૦૨૬ના રોજ સંપન્ન થશે.
