હિન્દ ન્યુઝ, ગાંધીનગર
56મી GST કાઉન્સિલની બેઠકમાં જીએસટી કાયદામાં Next-Gen સુધારા સાથે પ્રજાલક્ષી GST 2.0ની જાહેરાત કરી હતી. આ નિર્ણયથી વિવિધ લાભાર્થીઓ, ખાસ કરીને સામાન્ય માણસ, ખેડૂત તથા નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને સીધો અને નોંધપાત્ર લાભ થઇ રહેલ છે.
રજીસ્ટ્રેશન પ્રક્રિયાને સરળ બનાવવા માટે વૈકલ્પિક સરળ GST રજીસ્ટ્રેશન યોજના શરૂ કરવામાં આવી. નાના અને મધ્યમ ઉદ્યોગકારો કે જેઓ દર મહિને રૂપિયા 2.5 લાખ સુધીની વેરાશાખ પાસ ઓન કરે તો તેઓને કામકાજના ત્રણ દિવસમાં જીએસટી નંબર મળી રહે તેવી જોગવાઇ કરવામાં આવી. આ યોજના હેઠળ ત્રણ જ માસમાં આશરે 52,000 જેટલા વેપારીઓએ નોંધણી નંબર મેળવેલ છે.
વેપારીઓની સુવિધાઓ અને રજીસ્ટ્રેશન પ્રક્રિયાના સરળીકરણ બાબતે જામનગરના વેપારીઓએ રજીસ્ટ્રેશનના બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જૂનાગઢ આવવું પડતું હતું. તેવા વેપારીઓની સુવિધા માટે જીએસટી રજીસ્ટ્રેશન પ્રક્રિયાને વધુ સરળ બનાવતા તારીખ 26 જાન્યુઆરી, 2026થી જામનગર ખાતે અઠવાડિયામાં બે દિવસ રજીસ્ટ્રેશનના બાયોમેટ્રીક અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવેલ છે. આ સુવિધાઓનો વ્યાપ વધારતા આગામી સમયમાં આણંદ, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, ભુજ તેમજ પાટણ ખાતે પણ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.
