જૂનાગઢમાં ગાંધીગ્રામ ખાતેના સરદાર પટેલ રમત સંકુલમાં ઉત્સાહભેર યોજાઈ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ 

    ગુજરાતના રમતગમત ક્ષેત્રના મહાકુંભ ગણાતા ‘ખેલ મહાકુંભ-૨૦૨૫’ અંતર્ગત રાજ્યકક્ષાની વેઇટલીફટીંગ સ્પર્ધા જૂનાગઢમાં ગાંધીગ્રામ ખાતેના સરદાર પટેલ રમત સંકુલમાં ઉત્સાહભેર યોજાઈ હતી. તા.૧૬/૦૨/૨૦૨૬ના રોજ યોજાયેલ અંડર-૧૭ ભાઈઓની આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી આવેલા યુવા ખેલાડીઓએ ૧૦ જેટલી અલગ-અલગ વજન કેટેગરીમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. આ સ્પર્ધાના અંતે વિજેતા થયેલા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સ્પર્ધામાં ખેલાડીઓનો ઉત્સાહ એસ.ટીના વિભાગીય નિયામક વી.પી.ડાંગર, ગુજરાત વેઇટલીફટીંગ એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા રમત ગમત અધિકારી ડો. મનીષ કુમાર જીલડીયા, ગુજરાત વેઇટલીફટીંગ એસોસિએશનના સેક્રેટરી ગીરીશભાઈ પાંચાણી, સૌરાષ્ટ્ર પ્રાંત ક્રીડાભારતીના ઉપાધ્યક્ષ એમ.પી. ત્રાડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. 

આ પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણ કુમાર યાદવએ તમામ સ્પર્ધકોને રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા અને રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. વિજેતા ખેલાડીઓએ રાજ્ય કક્ષાએ પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી ચેમ્પિયનશીપનું બિરુદ હાંસલ કર્યું હતું.

સમગ્ર સ્પર્ધાને સફળ બનાવવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારીએ અને ચીફ રેફરી દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. ખેલાડીઓએ ખેલદિલીપૂર્વક અને ઉત્સાહપૂર્વક ભાગ લેતા સ્પર્ધા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. કાર્યક્રમના અંતે જિલ્લા રમત વિકાસ અધિકારીએ તમામ સહભાગીઓ અને વિજેતાઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

Leave a Comment