હિન્દ ન્યુઝ, ડાંગ
આગામી તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬થી રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) સામાન્ય–વિજ્ઞાન પ્રવાહની નિયમિત/રિપીટર/પૃથક/ખાનગી ઉમેદવારોની પરીક્ષાઓ શરૂ થનાર છે. ત્યારે ડાંગ જિલ્લામાં સંપૂર્ણ સુચારૂ રીતે યોજાય અને વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં ભાગ લે અને આ પરીક્ષાઓ શાંતિમય તણાવમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તેવા ઉમદા હેતુસર આજરોજ ડાંગ જિલ્લા કલેક્ટર સુ શાલિની દુહાનના અધ્યક્ષતામાં પરીક્ષાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટરએ બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તેમજ તારીખ ૨૬ ના રોજ ડાંગ દરબાર મેળાનો પ્રારંભ થતો હોઇ, જિલ્લાના તાલુકા-ગ્રામ્યકક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે, ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય તેમજ વિદ્યાર્થીઓને લેવા જતી બસ કોઇપણ કારણોસર બંધ પડે તો તાત્કાલિક અન્ય બસોની વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર રાખવાની સાથે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ-સુરક્ષાપ્રદાન, વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને CCTVનું સતત મોનિટરિંગ, આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓની ખાસ તકેદારી રાખવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.
આ બેઠક દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી જીગ્નેશ ત્રીવેદીએ બોર્ડ પરીક્ષા સંદર્ભે થયેલી તૈયારીઓની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્બારા યોજાનાર પરીક્ષામાં ડાંગ જિલ્લામાં ધોરણ ૧૦ માં કુલ ૧૬ પેટા કેન્દ્રો, ૧૧૨૬ બ્લૉક પર ૩૭૫૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ ૧૨ માં સામાન્ય પ્રવાહમાં કુલ ૭ પેટા કેન્દ્રોના ૭૩ બ્લૉક પર ૨૧૬૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધોરણ ૧૨ ના વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૦૨ કેન્દ્રો ૨૧ બ્લૉક પર ૪૨૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જે કુલ મળી ૨૫ કેન્દ્રોના ૨૨૦ બ્લૉક પર ૬૩૩૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. આ પરીક્ષા સદર્ભે તમામ આનુષંગીક વ્યવસ્થાઓ કરી દેવામાં આવેલ છે.
બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી જીગ્નેશ ત્રીવેદી, પ્રાથમિક શિક્ષણાધિકારી વિજય દેશમુખ સહિત પરીક્ષા સમિતિના સભ્યો સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
