પોરબંદર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં રૂ. ૧ કરોડ ૭૩ લાખના ખર્ચે વોકળા ઊંડા ઉતારવાના કામોનું મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, પોરબંદર

    પોરબંદર જિલ્લામાં જળસંચયના સ્તરને મજબૂત કરવાના હેતુથી રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે જિલ્લાના ગ્રામ્ય પંથકમાં સિંચાઈ અને પાણીની સુવિધાઓ વધુ સુદ્રઢ બને તે માટે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.

    આ અંતર્ગત રૂ. ૨૩ લાખના ખર્ચે લાવડીયા દેગામ વોકળાને ઊંડો ઉતારવાના કાર્યનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો, જ્યારે રૂ. ૧૫૦ લાખના ખર્ચે મસાણીયા વોકળાને ઊંડો કરવાના કામનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. અંદાજે કુલ રૂ. ૧૭૩ લાખના ખર્ચે હાથ ધરાનારી આ કામગીરીને કારણે ચોમાસામાં પાણીનો સંગ્રહ વધશે અને ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે.

     આ પ્રોજેક્ટનો સીધો લાભ દેગામ, સીમાણી, ભારવાડા, બખરલા અને બેરણ સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને મળશે, જેનાથી ખેડૂતોને સિંચાઈની સુવિધામાં મોટી રાહત થશે.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્ય અંગે આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વર્તમાન સમય ખેડૂતોની સમૃદ્ધિનો છે અને સરકાર તેમના સર્વાંગી વિકાસ માટે અવિરત કામ કરી રહી છે. તાજેતરમાં કમોસમી વરસાદ (માવઠા) ને કારણે જગતના તાત પર આવી પડેલી મુશ્કેલીઓ સમયે સરકારે સંવેદનશીલતા દાખવીને ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું છે, જે ખેડૂતો માટે મોટું આર્થિક પીઠબળ સાબિત થયું છે. આ સાથે જ મંત્રીશ્રીએ નવી પેઢીને વ્યસનોથી મુક્ત થઈ, આધુનિક ખેતી તરફ વળવા અને કૃષિ ક્ષેત્રે નવીનતા લાવવા માટે પ્રેરણા આપી હતી.

    પર્યાવરણની જાળવણી પર ભાર મૂકતા મંત્રીએ ‘ગ્રીન પોરબંદર’ પ્રોજેક્ટની રૂપરેખા આપી હતી અને દરેક ગામમાં મોટા પાયે વૃક્ષારોપણ કરીને વહીવટી તંત્રને સાથ-સહકાર આપવા ગ્રામજનોને હાર્દિક અપીલ કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગામના વોકળાઓ ઊંડા ઉતારવાના કાર્યથી જળ સંચય થશે, જેના સીધા પરિણામે ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનશે અને ખેતી તેમજ પશુપાલન જેવા વ્યવસાયો વધુ સમૃદ્ધ થશે.

આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ પણ ખેડૂતોને આ ખાતમુહુર્ત દ્વારા થનારા ફાયદાઓની વિગતવાર માહિતી આપી હતી. તેમણે જિલ્લાને હરિયાળો બનાવવાના સંકલ્પ સાથે જણાવ્યું હતું કે, માત્ર વૃક્ષો વાવવા પૂરતું સીમિત ન રહેતા તેની યોગ્ય જાળવણી કરવી પણ તેટલી જ અનિવાર્ય છે. 

ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડા ઓડેદરા, તેમજ અગ્રણી આગેવાનો સર્વશ્રી રામદેભાઇ મોઢવાડિયા, હાથિયાભાઈ ખુટી, કેશુભાઈ ઓડેદરા, ભીમભાઇ, ભુરાભાઈ કેશવાલા, પ્રતાપભાઈ કેશવાલા, સામતભાઈ ઓડેદરા, વિરમભાઈ કારાવદરા સહિતના સ્થાનિક સરપંચ, આગેવાનો, નાગરિકો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment