હિન્દ ન્યુઝ, ડાંગ
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” હાથ ધરવામાં આવી છે. જેનો મુખ્ય હેતુ રાજ્યમાં કાર્યરત આંગણવાડી કેન્દ્રોને વધુ સ્વચ્છ, સુરક્ષિત, રંગરોગાન, માળખાકીય સુવિધાઓનું સુદ્રઢીકરણ, નાનું-મોટું સમારકાર કરવાનું છે. જે માટે આંગણવાડી કેન્દ્રોને જર્જરિત થતા અટકાવવાનાં હેતુસર વાર્ષિક મરામત, જાળવણી, તથા રિનોવેશન માટે ગ્રાંટની રાજ્ય સ્તરેથી જિલ્લા સ્તરે જોગવાઈ કરવામાં આવી છે.
જે સંદર્ભે ડાંગ જિલ્લાના ૪૪૨ આંગણવાડી કેન્દ્રો પૈકી ૧૨૯ આંગણવાડીમાં સ્વચ્છતા સહીત નવીનીકરણ ઝુંબેશની કામગીરી આઈ.સી.ડી.એસ શાખા, ડાંગ દ્વારા શરૂ કરવામાં આવેલ છે. જે પૈકી ૩૩ આંગણવાડી કેન્દ્રોમાં કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને ૭૪ માં પ્રગતિ હેઠળ અને ૨૨ આંગણવાડી કેન્દ્રમાં કામગીરી શરૂ થનાર છે. મોટા સમારકામમાં આંગણવાડીની માળખાકીય સુવિધામાં જરૂરિયાત મુજબ પતરાનો શેડ, ભોય તળીયું, કલરકામ, ભીતચિત્રો, કીચન વગેરે અને વાર્ષિક મરામતની ગ્રાંટમાંથી નાના સમારકામો, કલરકામ, ભીતચિત્રો, પાણી, શૌચાલય સુવિધા અતંર્ગત નાના સમારકામો, બારીબારણા રીપેર, ભોયતળીયું વગેરેની કામગીરી ચાલી રહી છે.
વધુમાં સરકાર દ્વારા નક્કી કરેલ મુલ્યાંકન મુજબ દરેક સેજા કક્ષાના સુવિધા જનક ૦૩ આંગણવાડી કેન્દ્રો નક્કી કરવામાં આવશે. જેમાંથી ઘટક કક્ષાએ ૦૩ આંગણવાડી કેન્દ્રો પસંદ થશે બાદમાં જિલ્લા કક્ષાના શ્રેઠ ૦૩ આંગણવાડી કેન્દ્રોને પુરસ્કાર આપવામાં આવશે. આ કામગીરી બાબતે જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.વસાવા દ્વારા ઝુંબેશમાં જોડાયેલ લગત શાખાના અધિકારી, કર્મચારીઓની મીટિંગ લઈ સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચન કરવામાં આવ્યું છે અને આંગણવાડી કેન્દ્રની વિઝીટ દરમિયાન માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. વધુમાં પ્રોગ્રામ ઓફિસર, સી.ડી.પી.ઓ દ્વારા ફિલ્ડમાં જઇ સ્થળ નિરીક્ષણ કરી સતત મોનીટરીંગ પણ કરવામાં આવી રહેલ છે.
