‘મેદસ્વિતામુક્ત ગુજરાત’
હિન્દ ન્યુઝ, સુરત
‘સ્વસ્થ નાગરિક’ એ રાષ્ટ્રની મહત્વની મૂડી છે. સ્વાસ્થ્ય પ્રત્યે નાગરિકો જાગૃત બને અને ‘મેદસ્વિતા’થી મુક્ત બને તેવા હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી સમગ્ર ગુજરાતમાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન’ હાથ ધરવામાં આવ્યું છે.
મેદસ્વિતા સ્વાસ્થ્ય સામે અનેક જોખમો સર્જતી હોવાથી તેને ઘટાડવી જરૂરી છે. મેદસ્વિતા (Obesity)ને જાડાપણું અથવા સ્થૂળતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એ એક એવો વિકાર છે, જેમાં શરીરમાં વધુ પડતી મેદપેશી (ચરબી) જમા થાય છે. જ્યારે કોઈ વ્યક્તિનું વજન તેના આદર્શ વજન કરતાં ૨૦ ટકાથી વધુ હોય છે, ત્યારે આ સ્થિતિ પાચનતંત્ર, શારીરિક રચના અને આરોગ્યને લગતી સમસ્યાઓ પેદા કરી શકે છે.
મેદસ્વિતાનું નિદાન સામાન્ય શારીરિક તપાસ દ્વારા કરી શકાય છે. શરીરમાં ચરબીના પ્રમાણને ચોકસાઈપૂર્વક માપવાની તકનીકો ઉપલબ્ધ છે, પરંતુ તેનો સામાન્ય રીતે વ્યવહારિક નિદાનમાં ઉપયોગ થતો નથી.
