હિન્દ ન્યુઝ, સુરત
‘અનેક જગ્યાએથી મળેલી નિષ્ફળતા બાદ સુરતનાં હિમોફિલિયા સેન્ટરે લાખોની સારવાર વિનામૂલ્યે કરી નવજીવન આપ્યું છે” આ શબ્દો છે મહારાષ્ટ્ર-મુંબઈના નાલાસોપારાના ૪૫ વર્ષીય સેમ્સન એડ્રુ રોડ્રિક્સના. ખાનગી હોસ્પિટલમાં થતી રૂ.૮૦ લાખથી વધુની સારવાર નવી સિવિલના હિમોફિલિયા કેર સેન્ટરે નિ:શુલ્ક કરી મુંબઈના આ સિવિયર હિમોફિલીયાના દર્દીને સ્વસ્થ કર્યા હતા.
સિવિયર હિમોફિલિયા ટાઈપ-એ ની સાથે હાઈ ટાઈટર ઇનહિબિટરના દર્દી સેમસન એન્ડ્રુ રોડ્રિક્સ ઘણાં વર્ષોથી જમણા પગના ઘૂંટણનાં દુ:ખાવાથી પીડિત હતાં. લાંબા સમયથી તેમણે શારીરિક સમસ્યા માટે પૂણે અને મુંબઈના અનેક ડોકટરો અને હોસ્પિટલોમાં સારવાર લીધી. જ્યાં તેમને ‘ની રિપ્લેસમેન્ટ’ની સલાહ આપવામાં આવી હતી. પરંતુ હિમોફિલિયા ‘ટાઈપ-એ’ની સાથે તીવ્ર ટાઈટર ઇનહિબિટર હોવાથી દરેક જગ્યાએથી સારવારમાં નિષ્ફળતા જ મળી. આખરે સુરતની નવી સિવિલનું હિમોફિલિયા કેર સેન્ટરના તબીબો દેવદૂત બન્યા હતા અને સફળ સારવાર કરી નવજીવન આપ્યું હતું.
તેમણે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, સુરત નવી સિવિલ હોસ્પિટલના હિમોફિલિયા કેર સેન્ટરના મેનેજર નિહાલ ભાતવાલા સાથે આ સારવાર માટે વાત થઈ અને તેમના માર્ગદર્શન મુજબ જાન્યુઆરી મહિનામાં અહીં દાખલ થયો અને એક મહિનાની સારવાર બાદ આજે એકદમ સ્વસ્થ થઇ પગે ચાલીને ઘરે પાછો ફર્યો છું. લાંબા સમય બાદ વોકરના સપોર્ટથી મુક્તિ મળતા આખો પરિવાર ખુશખુશાલ છે.
