હિન્દ ન્યુઝ, દાહોદ
લીમખેડા તાલુકાના માંડલી ગામના ખેડૂત સુથાર ચંદ્રસિંહભાઈ વર્ષ ૨૦૧૬ માં આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હતી. ૨૦૧૬/૧૭ માં આત્મા પ્રોજેક્ટ દ્વારા આપવામાં આવતી તાલીમ સાથે જ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધા બાદ તેઓએ ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના ખેતર એટલે કે, હરિયાણાના પાણીપતમાં ૭ દિવસીય તાલીમ લીધી ત્યારબાદ તેમણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.
આજે તેઓ પ્રાકૃતિક ખેતીમાં ઋતુ પ્રમાણે અનાજ, શાકભાજી, કઠોળ, મશરૂમ, સ્ટ્રોબેરી સહિતની ખેતી કરે છે. આ ખેતીમાં તેઓ વાર્ષિક ૦૪ લાખથી વધુની આવક મેળવી રહ્યા છે. તેઓ આજુબાજુના ૧૦ ગામોના ખેડૂતોને માસ્ટર ટ્રેનર તરીકે પ્રાકૃતિક ખેતી તરફ લાવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે અને તાલીમ આપી રહ્યા છે. જ્યારે પણ ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં આયામો બનાવવામાં કે દવા બનાવવામાં કોઈ મૂંઝવણ હોય તો તેઓ પોતે ખેડૂતોના ઘરે જઈ મદદરૂપ બને છે અને માર્ગદર્શન આપે છે.
પ્રગતિશીલ ખેડૂત સુથાર ચંદ્રસિંહભાઈ સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે, આપણા વડવાઓ પહેલા ખેતીમાં રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરતા ન હતા, જેથી તેઓ ૧૦૦ વર્ષથી વધુ તંદુરસ્ત જીવન જીવતા હતા. પણ છેલ્લા ૩૦ વર્ષથી ખેડૂતોએ વધુ પાક મેળવવા માટે જમીનમાં રાસાયણિક ખાતર જેવા કે ડીએપી યુરિયાનો ઉપયોગ કર્યો અને આ દવાના કારણે જ ખેતીના પાકમાં રોગ ઉભા થયા જે રોગને દૂર કરવા ફરી રાસાયણિક દવા જંતુનાશક દવાનો ઉપયોગ કરીને જમીન અને પાક બન્નેમાં રાસાયણિક કેમિકલ ભેળવાઈ જવાથી જમીન અને ખોરાક લેનાર મનુષ્યને નુકસાન થઈ રહ્યું છે.
પ્રાકૃતિક ખેતી એ ઉત્તમ પ્રકારની ખેતી છે. આજે મારા ઘરે પકવેલ મશરૂમ ૩૦૦ રૂપિયાએ કિલો ઘરે બેઠા વહેચાઈ જાય છે. શાકભાજી અને સ્ટ્રોબેરી પણ ઘરે આવીને લોકો લઈ જાય છે. એમાં અમને વધારે ફાયદો થાય છે. મારા પરીવારના માટે પણ પ્રાકૃતિક ખેતીથી પકવેલ ઉતમ અને શુદ્ધ આહાર મળી રહે છે. હું દાહોદ જિલ્લાના ખેડૂતોને કહું છું કે, આવનારી આપણી પેઢીને સ્વસ્થ અને તદુંરસ્ત રાખવા માટે ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરો જેનાથી જમીન ફળદ્રુપ બનશે. વરસાદના પાણીનો સંગ્રહ વધુ થશે. અનાજ અને શાકભાજી ગુણકારી બનશે તેમજ પ્રાકૃતિક ખેતીથી સૌને રોગમુક્ત રાખી શકાય છે.
