જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર,ધરમપુર ખાતે મુકેશભાઈ કે.પટેલનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, ધરમપુર

     જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ,સંસ્કૃતિ મંત્રાલય,ભારત સરકારની એકમ) દ્વારા તા. 30 જાન્યુઆરી, 2026ના રોજ કેન્દ્રના ટેકનિશિયન ‘જી’ (ઇલેક્ટ્રિકલ) તરીકે 40 વર્ષની સુદીર્ઘ,નિષ્ઠાપૂર્વક અને સમર્પિત સેવા બાદ નિવૃત્ત થનાર મુકેશભાઈ કે.પટેલના સન્માનાર્થે એક ભાવસભર વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે મુકેશભાઈની પત્ની, શ્રીમતી કલ્પનાબેન પટેલ,પુત્ર યશ પટેલ (ઓનલાઇન -લંડન) તેમજ પરિવારના અન્ય સભ્યો અને મિત્રો જતિનભાઈ, દીપકભાઈ ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત ડાયટ વલસાડના પ્રાચાર્ય મહેન્દ્રભાઈ પટેલ,વિજ્ઞાન સલાહકાર પંકજભાઈ દેસાઈ, ડો. ઇન્દ્રા વત્સ, ક્યુરેટર – ધ લેડી વિલ્સન મ્યુઝિયમ ધરમપુર, મહેશભાઈ ટંડેલ પ્રેસ બ્યુરો ચીફ,કેનરા બેંકના મેનેજર પ્રદીપ ખંડેલવાલ, ધર્મુંદાદા,મોન્ટુદાદા, પરેશ રાવલ, ઉદયભાઈ પટેલ, જિજ્ઞેશ પટેલ (લોગોન કોમ્પ્યુટર), ડીજીવીસીએલના અધિકારીઓ, તેમજ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુરના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને તેમણે મુકેશભાઈ સાથે જોડાયેલી સ્મૃતિઓને યાદ કરી હતી.

    કાર્યક્રમ દરમિયાન જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુરના પ્રજ્ઞેશ ડી.રાઠોડ, જિલ્લા વિજ્ઞાન અધિકારીએ પ્રારંભિક સંબોધન કરતાં મુકેશભાઈના 40 વર્ષના સેવાકાળ દરમિયાન કેન્દ્રના વિકાસ અને સુચારુ કાર્યપ્રણાલીમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને વિશેષરૂપે ઉજાગર કર્યું હતું.તેમણે જણાવ્યું કે,કેન્દ્રના વિકાસમાં મુકેશભાઈનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.

     આ અવસરે નેહરૂ વિજ્ઞાન કેન્દ્ર, મુંબઈના ડાયરેક્ટર દ્વારા મોકલાયેલા સંદેશમાં જણાવવામાં આવ્યું હતું કે, “મુકેશભાઈ, NCSM માટે આપની દીર્ઘ અને સમર્પિત સેવાઓ બદલ અમે આપના અત્યંત આભારી છીએ. સંસ્થાની શરૂઆતથી જ જોડાયેલા રહેનારા આપ થોડાં પસંદગીના લોકોમાંના એક છો. આપના જીવનની બીજી ઇનિંગ્સ માટે અમે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ—તે સુખદ, સક્રિય અને યાદગાર રહે તેવી કામના.ભલે તમે કેન્દ્રમાંથી વિદાય લેશો,પરંતુ NCSM પરિવારના એક અવિભાજ્ય ભાગ બનીને આપ હંમેશા અમારી સાથે જ રહેશો.”

    વિદાય સંબોધન દરમિયાન મુકેશભાઈ ભાવુક બન્યા હતા અને તેમણે ભુતપૂર્વ ડીજી ડો. સરોજ ઘોષ અને ભુતપૂર્વ ડાયરેક્ટર ડો.આર.એમ. ચક્રવર્તી તેમજ કેન્દ્ર સાથે વિતાવેલા સ્મરણિય પળો તેમજ પોતાના કાર્યકાલ માટે સંતોષની લાગણીઓ વ્યક્ત કરી હતી.આ પ્રસંગે તેમને શાલ ઓઢાવી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સ્ટાફ સભ્યો દ્વારા ભેટ અર્પણ કરવામાં આવ્યું હતું.

     કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોએ મુકેશભાઈને સુખમય, સ્વસ્થ અને આનંદમય નિવૃત્તિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.પ્રતિભાવ રૂપે મુકેશભાઈએ જણાવ્યું હતું કે, જિલ્લા વિજ્ઞાન કેન્દ્રને ભવિષ્યમાં જ્યારે પણ તેમની જરૂર પડશે, તેઓ હંમેશા સહકાર આપવા તૈયાર રહેશે. અંતે સુરૂચિ ભોજન લઇ એક યાદગાર અને અવિસ્મરણીય સમારોહની પ્રતિતિ થઈ હતી.

વલસાડ જીલ્લા બ્યુરોચીફ : મહેશ ટંડેલ

Related posts

Leave a Comment