વલસાડ જિલ્લા કક્ષાનો 11 મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ ધરમપુર મુકામે યોજાયો

હિન્દ ન્યુઝ, વલસાડ 

      જી.સી.ઈ.આર.ટી ગાંધીનગરની પ્રેરણા અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડના આયોજન હેઠળ વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, વલસાડ તથા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુરના સંયુક્ત ઉપક્રમે તારીખ 29 અને 30 જાન્યુઆરી 2026 ના રોજ ધરમપુર મુકામે, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે બે દિવસનો વલસાડ જિલ્લા કક્ષાનો 11મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાઈ ગયો હતો. એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ એ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારની એક ઉજ્જવળ પરંપરા છે કે જેમાં દર વર્ષે શાળા શિક્ષણ સાથે સંકળાયેલ શિક્ષક, આચાર્યો કે અન્ય હિતધારકો પોતે કરેલ વિશિષ્ટ કામગીરી કે ઇનોવેશનને જિલ્લાના મંચ પર એક સ્ટોલમાં પ્રદર્શન સ્વરૂપે રજૂ કરે છે.  

       એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારંભમાં ધરમપુર તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સમારંભના અધ્યક્ષ અને ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે ડાયટ- વલસાડના પ્રાચાર્ય મહેન્દ્રભાઈ આર. પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રીબેન ટંડેલ સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ગોકુળભાઈ અને વલસાડ જિલ્લા શૈક્ષિક મહાસંઘના અજીતસિંહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા ઇનોવેશનના સ્ટોલને ખુલ્લા મુકવા સાથે તમામ ઇનોવેશનને સમાવતી વિગતવાર બુકલેટનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. ઇનોવેશનનાં સ્ટોલને નિહાળીને પ્રેરણા આપવા માટે વલસાડ જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી. બી. વસાવા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. 

     ચાલુ વર્ષે આંગણવાડી અને પ્રાથમિક શાળાના કુલ 21 તથા હાઈસ્કૂલ કક્ષાના 9 સહિત કુલ ૩૦ જેટલા શૈક્ષણિક ઇનોવેશન / પ્રયોગો રજૂ થયા હતા. જેને રજુ કરવામાં કુલ 37 જેટલા શિક્ષક સહભાગીઓએ ખૂબ જહેમત ઉઠાવી હતી. શાળા શિક્ષણ, ટેકનોલોજી અને મનોરંજક અધ્યયનની અલગ અલગ થીમ પર શિક્ષકો દ્વારા શાળા કક્ષાએ થયેલ નવીન અને અદભુત પ્રયાસોને ખુબ સુંદર રીતે સ્ટોલમાં રજૂ કરવામાં આવ્યા હતા. મહેમાનોએ દરેક સ્ટોલ પર મુલાકાત લઇ શિક્ષકોનું ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમને ઝીણવટપૂર્વક નિહાળીને, અભ્યાસ કરવા હેતુ વલસાડ જિલ્લાના કુલ 500થી વધુ મુલાકાતથી શિક્ષકો, ડી.એલ.એડ. પ્રશિક્ષણાર્થીઓ, CRC કો.ઓ. અને આચાર્યઓએ આ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલની અભ્યાસ મુલાકાત લીધી હતી. 

      એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ સાથે સમગ્ર કાર્યક્રમમાં આકર્ષણ સ્વરૂપ અન્ય ચાર સ્ટોલ પણ રજૂ થયા હતા. જેમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર દ્વારા ડાયનેમિક મોડેલ્સ સાથે વિજ્ઞાનના પ્રયોગો રજુ થયા હતા. એક્સન રીસર્ચ ઇન કમ્યુનિટી હેલ્થ- ARCH, નગારીયા મુકામેની આર્ચ સંસ્થા દ્વારા સુંદર શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સામગ્રી સાથેનું પ્રદર્શન રજૂ થયું હતું. સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલ કે જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની શાળાના વિકાસ માટેની યોજના છે, તે અંતર્ગત એક વિશિષ્ટ સ્ટોલ રજૂ થયો હતો અને પરખ- PARAKH ના રાષ્ટ્રીય સર્વેક્ષણ આધારિત શૈક્ષણિક પરિણામોના વિધાયક પ્રચાર પ્રસાર માટેનો સ્ટોલ પણ રજૂ થયો હતો. આ દરેક સ્ટોલ પણ મુલાકાતી શિક્ષકો માટે કુતુહલનું કેન્દ્ર બની રહ્યા હતા.  

      ઇનોવેશન ફેસ્ટિવલના બીજે દિવસે તજજ્ઞ વ્યાખ્યાન માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારીના પ્રાચાર્ય યોગેશભાઈ કે. પટેલે ઉપસ્થિત રહી ખૂબ રોચક અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ડો. યોગેશભાઈ જણાવ્યું હતું કે આ ઇનોવેશનને શાળામાં અન્ય શિક્ષકો સાથે પણ શેર કરીને સમૂહમાં નવીન કાર્ય કરવું જોઈએ. ઇનોવેશન કરવાનું શું મહત્વ છે અને આ કરતા કરતા આપણે શિક્ષણ જગતની કેવી રીતે વિશેષ સેવા કરી શકીએ છીએ તેનો પણ તેમણે ઉદાહરણસહીત ચિતાર પૂરો પાડ્યો હતો. સમાપન પ્રસંગમાં જિલ્લા વિજ્ઞાન અધિકારીશ્રી પ્રજ્ઞેશ રાઠોડ દ્વારા શિક્ષકોને સતત ઇનોવેશન કરતા રહી વૈજ્ઞાનિક અભિગમની સાથે જીવનમાં અને શાળામાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી હતી. મૂલ્યાંકન સમિતિ અને મુલાકાતી શિક્ષકો દ્વારા થયેલ તમામ ઇનોવેશનનાં મૂલ્યાંકનને પરિણામે સમગ્રપણે ચાર ઇનોવેશનને વલસાડ જીલ્લાનું ઝોન કક્ષાએ આગળ પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. જેમને અને તમામ ઇનોવેટિવ શિક્ષકોને પ્રમાણપત્ર, ટ્રોફી અને સ્મૃતિ ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાચાર્ય મહેન્દ્રભાઈ આર. પટેલના નેતૃત્વ હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડ તથા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરની ટીમ સાથે વલસાડ જિલ્લા શિક્ષણ પરિવારની કાર્યવાહક સમિતિના સદસ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

જીલ્લા કક્ષાએ વિજેતા બનેલ કૃતિઓ

Sr No. NAME OF INNOVATIVE TEACHER NAME OF SCHOOL INNOVATION TITLE 

1 હેતલકુમાર યુ. ટંડેલ પ્રાથમિક શાળા, સંઘાડીપાડા “વિચારોથી બોલું તો થાય મારું લખાણ.”

2 રૂપલબેન આર. પટેલ ભેંકલા ફળિયા પ્રા.શાળા, કાંજણ રણછોડ PLAY WITH SUBJECTS 

3 પ્રીતીબેન ડી. હેડાઉ પી.એમ. ચલા મુખ્ય શાળા LESS SPACE, MULTIPLE GROUNDS, BIG ACHIEVEMENTS

પીનલ એમ. પટેલ પી.એમ.શ્રી. ચલા મુખ્ય શાળા  

4 દર્શના એમ. કનાડા બાઈ આવબાઈ હાઈસ્કુલ, વલસાડ છંદની રમઝટ

વલસાડ જીલ્લા બ્યુરોચીફ : મહેશ ટંડેલ

Related posts

Leave a Comment