જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે નહેર સુધારણા કામોનું નિરીક્ષણ કર્યું

હિન્દ ન્યુઝ, નવસારી

    જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે ઉકાઈ–કાકરાપાર કમાંડ વિસ્તાર હેઠળ દક્ષિણ ગુજરાતમાં અમલમાં મૂકાયેલા નહેર સુધારણા પ્રોજેક્ટોની પ્રત્યક્ષ મુલાકાત લઈને કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી.         

             નવસારી જિલ્લામાં ચાલતા આ મહત્વના પ્રોજેક્ટ અંતર્ગત મંત્રી ઇશ્વરસિંહ પટેલે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મહુવર ગામે ઉભરાટ બ્રાંચ નહેરો તેમજ એરુ ખાતે સબ માઈનોર નહેરોમાં ચાલી રહેલા લાઈનીંગ અને સ્ટ્રક્ચર વર્કનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આ નહેર યોજના મહત્વની હોવાનું જણાવતા મંત્રીશ્રીએ કામગીરીની ગુણવત્તા અને સમયસર પૂર્ણતા પર વિશેષ ભાર મૂક્યો હતો.

             મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, નહેરોમાં પાણીના સુચારૂ નિયમન માટે જૂના અને ક્ષતિગ્રસ્ત સ્ટ્રક્ચરો તથા આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. સાથે ખેડૂતોને ખેતરે અવરજવર અને પાક પરિવહનમાં સુવિધા રહે તે હેતુથી નહેરોની બાજુમાં પાકા, મોટરેબલ રસ્તાઓ બનાવવાની કામગીરી પણ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ છે. 

         આ નિરીક્ષણ દરમિયાન નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા સંગઠન પ્રમુખ ભુરાભાઈ શાહ, નાયબ કલેકટર કેયુર ઇટાલિયા, મુખ્ય ઈજનેર દક્ષિણ ગુજરાત આર.એમ. પટેલ, સુરત સિંચાઈ વર્તુળ અધિક્ષક ઈજનેર એસ.બી. દેશમુખ, અંબિકા વિભાગ કાર્યપાલક ઈજનેર પાર્થ પટેલ સહિત વિભાગના અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment