‘પ્રભુ શ્રી રામ અને માતા શબરી મિલન દિવસ’ ની ઉજવણી નિમિત્તે પંપા સરોવરથી શબરીધામ સુધીની “શ્રી રામ આગમન મહોત્સવ” ની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

હિન્દ ન્યુઝ, ડાંગ

    રામાયણ જેવા મહાકાવ્યની રચના સહિત સમગ્ર રામકથામાં આદિવાસી સમાજના યોગદાનનો ઉલ્લેખ કરી કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે, શબરી ધામ અને પંપા સરોવરનું મહત્વ વર્ણવ્યું હતું. પ્રભુ શ્રી રામ-શબરી મિલનની ગાથા વર્ણવતા મંત્રીએ રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યો સહિત પુરાણોમાં વર્ણિત આદિવાસી પાત્રોની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. 

મકર સંક્રાંતિના પવન પર્વે શબરીધામ ખાતે આદિવાસી સમાજને હજારો વર્ષોની પરંપરા મુજબ સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે અનેકવિધ પગલાંઓ રાજ્ય અને કેન્દ્ર સરકાર લઈ રહી છે. તેમ જણાવતા મંત્રીએ, ચાલુ વર્ષે સરકાર દ્વારા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે જનજાતિય ગૌરવ યાત્રા યોજવામાં આવી. જેમાં આદિજાતિ લોકો માટે સરકારની યોજનાઓને ઉજાગર કરવામાં આવી હતી તેમ કહ્યું હતું. દેશના વડા પ્રધાન નરેદ્ર મોદી દ્વારા આદિવાસી સમાજ માટે અનેક યોજનાઓ લાગુ કરી છે. જેનો લાભ લેવાં પણ મંત્રીએ સૌને અપીલ કરી હતી. 

ગુજરાત અને દંડકારણ્યની પાવન ભૂમિના ગુણગાન કરતા ડાંગના પ્રભારી મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, શબરી ધામના વિકાસમાં વનવાસી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે ખુબ જ ઉમદા કાર્ય કર્યું છે. મંત્રીશ્રીએ શબરીધામ ખાતે વર્ષ ૨૦૦૬ માં યોજાયેલ કુંભમેળાનું વર્ણન કર્યું હતું. પ્રભારી મંત્રીએ યાત્રાધામનો વિકાસ કરવાં સાથે આદિવાસી પ્રાકૃતિક ખોરાક નાગલીને ઉજાગર કરવાં જણાવ્યું હતું. તેમજ સ્વદેશી વસ્તુઓ અપનાવવા લોકોને આહવાન કર્યું હતું.

ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે, તેમના પ્રાસંગિક વક્તવ્ય દરમિયાન આદિવાસી સમાજની સંસ્કૃતિમાં જ ‘રામ’ વણાયેલા છે. ત્યારે સનાતન સંસ્કૃતિમાં માનનારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરનારાઓની ભ્રામક વાતોમાં ન દોરવાતા, સનાતન સંસ્કૃતિના જતન સંવર્ધન માટે સૌ શબરી માતાના વંશજોને અપીલ કરી હતી.

માં શબરીના વંશજોનું વંદન અભિનંદન કરતા રાજ્યના પુર્વ કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડીંડોરે દંડકારણ્યની પાવન ભૂમિની અસ્મિતા અને વિરાસત તથા અહીંની સનાતન સંસ્કૃતિની ક્ષમતાનો પરિચય આપી, અનેક આક્રંતાઓએ સનાતન હિન્દૂ સંસ્કૃતિને તહસનહસ કરવાની નાપાક કોશિશ કરી, તેમ છતાં સનાતન સંસ્કૃતિ તેના સિદ્ધાંત સાથે ટકી રહી છે તેમ જણાવ્યું હતું.

દરમિયાન સંસ્કૃતિ, સંસ્કાર અને સત્સંગનો પ્રચાર કરવાના આહવાન સાથે લોકોને ભગવાન શ્રી રામ વિશે જાગૃત કરવા સ્વામી શ્રી દત્તનાથજી મહારાજશ્રીએ, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જીવન પ્રસંગોમાંથી પ્રેરણા મેળવી, અમૂલ્ય માનવ જન્મને સાર્થક કરવાની અપીલ કરી હતી.

સાથે પ્રકૃતિને પૂજનાર સૌ લોકો હિન્દૂ છે, તેમ સ્વામી શ્રી દત્તનાથજી મહારાજે પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવી ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકોને શ્રી રામ આગમન મહોત્સવમાં જોડાવા અપીલ કરી હતી.  

આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અતુલજી જોગે આદિજાતિ લોકોની સંસ્કૃતિની સરાહના કરી, “શ્રી રામ આગમન મહોત્સવ” નું મહત્વ જણાવ્યું હતું. સાથે જ દરેક લોકોને અયોધ્યામાં પ્રભુ શ્રી રામ મંદિરના દર્શન માટે આહવાન કર્યું હતું. 

શબરી ધામના સ્વામી શ્રી અસીમાનંદજીએ મહારાષ્ટ્રથી પધારેલા ભાવિક ભક્તોનું વિશેષ અભિવાદન કરતા, દેશભરમાં ગુંજી ઉઠેલા પ્રભુ શ્રી રામ નામનો મહિમા વર્ણવી, દંડકારણ્યથી અયોધ્યા સુધી જાગેલા ભક્તિના ભાવમાં, ડાંગના માં શબરીના વંશજો પણ ભક્તિ અને શ્રદ્ધા અર્પણ કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું.

આ સાથે જ શ્રી અસીમાનંદજીએ ડાંગ જિલ્લામાં ધર્મજાગરણના કાર્ય તેમજ શબરી ધામની સ્થાપના અંગેની વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. 

આ સાથે પંપા સરોવર થી શબરીધામ યોજાયેલ સુધી યોજાયેલ શોભાયાત્રામા પણ મહાનુભાવો જોડાયા હતા.

શબરીધામ ખાતે યોજાયેલા ‘શ્રી રામ આગમન મહોત્સવ’માં અધ્યક્ષ શ્રી અતુલજી જોગ, પરમપુજ્ય સ્વામી શ્રી દત્તનાથજી મહારાજ, સ્વામી શ્રી આત્મારામજી, સ્વામી શ્રી અસીમાનંદજી, શ્રી પી.પી.સ્વામીજી, આદિજાતી વિકાસ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, રમત ગમત વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી વ ડાંગના પ્રભારી મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, ગુજરાત વિધાનસભા નાયબ દંડક વ ડાંગના ધારાસભ્ય વિજયભાઇ પટેલ, પુર્વ કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડીંડોર, વાસુર્ણાના રાજવી ધનરાજસિંહ સુર્યવંશી, શબરી ધામ મંદિરના ટ્રસ્ટ્રીઓ, ભાજપા પ્રમુખ કિશોરભાઈ ગાવિત સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment