હિન્દ ન્યુઝ, ધરમપુર
આદિવાસી સંસ્કૃતિ બચાવ સેના દ્વારા તા. ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ધરમપુર તાલુકાના પીપરોળ ગામે ટોગા ડુંગર ઉપર આવેલ વરસાદી દેવ તરીકે પૂજાતા અભિનાથ મહાદેવના પ્રાચીન અને પવિત્ર મંદિરે પરંપરાગત આદિવાસી રીતિ-રિવાજ મુજબ ભવ્ય ધાર્મિક કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમની શરૂઆત અભિનાથ મહાદેવના વિધિવત પૂજનથી કરી ધાર્મિક ધજા ચઢાવી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય દેવ બિરસા સેના ના અધ્યક્ષ અરવિંદભાઈ વસાવાએ ઉપસ્થિત ભક્તોને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને દેવ-દેવીઓની ઉપાસના અનાદિકાળથી ચાલતી આવી છે. આજના સમયમાં થોડા લોકો લોભ-લાલચના કારણે પોતાની પરંપરા અને આરાધ્ય દેવતાઓથી દૂર જઈ રહ્યા છે, જે બાબતે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સમાજને સંગઠિત અને જાગૃત રહેવા આહ્વાન કરી જણાવ્યું હતું કે આપણે એકતાબદ્ધ રહીશું તો દેશ અને ધર્મ વિરોધી પ્રવૃત્તિઓને અવશ્ય અટકાવી શકીશું. સમયાંતરે આવા ધાર્મિક અને સંવાદાત્મક કાર્યક્રમો યોજવાની પણ હાકલ કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન ધરમપુર-કપરાડા વિસ્તારના ભગત તથા ભગતાણીઓ દ્વારા સમાજને લગતા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સંવાદ કરવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી પરંપરાઓને કેવી રીતે સાચવી અને બચાવી રાખી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળ વિલ્સન હિલથી માત્ર ૭ કિલોમીટર અંતરે આવેલું આ પૌરાણિક અભિનાથ મહાદેવ (વરસાદી દેવ) નું મંદિર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. આદિવાસી સમાજના લોકો રાજા-રજવાડાના સમયથી અહીં વરસાદી દેવની પૂજા કરતા આવ્યા છે અને આ સ્થાન આજે પણ તેમની અડગ આસ્થાનું પ્રતીક છે.
આ ધાર્મિક કાર્યક્રમમાં સામાજિક કાર્યકર્તા અશ્વિનભાઈ ચીખલિયા, રામજીબાબા (બિલીધામ-કોઠાઈદરી), વલસાડ જિલ્લા ધર્મ જાગરણ સંયોજક પરિમલભાઈ ગરાસિયા તેમજ ધરમપુર-કપરાડા વિસ્તારના અનેક ભગત, ભગતાણીઓ અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ બ્યુરો ચીફ : મહેશ ટંડેલ
