હિન્દ ન્યુઝ, મહેસાણા
કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી મહેસાણા જિલ્લાના બોરીયાવી ખાતે મોતીભાઈ આર. સાગર સૈનિક સ્કૂલ તથા ખેરાલુ ખાતે સાગર ઓર્ગેનિક પ્લાન્ટનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજ્યના મંત્રીઓ, સહકાર ક્ષેત્રના આગેવાનો તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું
આ અવસરે, ખેડૂતોને તેમના પાકો માટે બજાર મળી રહે અને ખેડૂતોને તેમના પાકોના યોગ્ય ભાવ મળે તે માટે દૂધસાગર ડેરી અને ખેડૂતો વચ્ચે પાક ખરીદી માટેના મહત્વપૂર્ણ MoU કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીએ મોતીભાઈ આર. સાગર સૈનિક સ્કૂલ પરિસરની મુલાકાત લઈને ઉપલબ્ધ કરવામાં આવેલ અત્યાધુનિક સુવિધાઓની માહિતી મેળવી હતી તેમજ ’રાષ્ટ્ર પ્રથમ’ના ભાવ સાથે સુરક્ષા દળમાં જોડાવા માટેની તાલીમ લેવા પ્રતિબદ્ધ વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાત્મક સંવાદ સાધ્યો હતો.
કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રીએ સહકારી આગેવાનોના બહુમૂલ્ય યોગદાનથી સહકાર ક્ષેત્રે થયેલ પ્રગતિની રૂપરેખા આપી, આ સૈનિક સ્કૂલ આવનારા દિવસોમાં અનેક બાળકોને રાષ્ટ્રની સુરક્ષાના ક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્યનો પથ પ્રદર્શિત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે આજે લોકાર્પિત થયેલ સાગર ઓર્ગેનિક પ્લાન્ટથી ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે તેમ જણાવી, સૌને સારા સ્વાસ્થ્ય માટે ઓર્ગેનિક ઉત્પાદનો અપનાવવા અંગે અનુરોધ કર્યો હતો. માનનીય કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રીએ સહકારી ક્ષેત્રે પ્રગતિની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવા સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતને શ્વેત ક્રાંતિની નામના અપનાવનાર સહકારી આગેવાન મોતીભાઇ ચૌધરીના નામ સાથે કાર્યરત થઈ રહેલી આ સૈનિક સ્કૂલ રાષ્ટ્રહિતના સર્વોપરી ધ્યેય સાથેની ભાવિ પેઢીના નિર્માણનું માધ્યમ બનવાની છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સૈનિક સ્કૂલોના નિર્માણથી વિધાર્થીઓને સશક્ત દળોમાં જોડાવા માટેની ઉત્તમ તકો મળી રહેશે તેમજ આજે લોકાર્પણ થયેલ ઓર્ગેનિક પ્લાન્ટમાં તૈયાર થનાર અનાજ, દાળ, મસાલા સ્વદેશી ઉત્પાદન અને તેના ઉપયોગોને વેગ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ સૈનિક સ્કૂલમાં તૈયાર થનાર ભાવિ પેઢી આત્મનિર્ભર, સ્વદેશી અને વિકસિત ભારતના સંવાહક બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
