હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર
રાજ્ય સરકાર દ્વારા ૭ થી ૧૫ ઓક્ટોબર સુધી યોજાનાર “વિકાસ સપ્તાહ”ના પ્રારંભે, સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ કાર્યક્રમ યોજાયો.
જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક સહિત સમગ્ર વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓએ રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત થવાનો દ્રઢ સંકલ્પ લીધો.
વહીવટી તંત્રના સભ્યોએ પ્રતિજ્ઞા લીધી કે, તેઓ પોતાના જીવનની પ્રત્યેક ક્ષણે દેશ માટે સમર્પિત રહેશે અને સ્વનો વિચાર કરતાં પહેલાં સૌનો વિચાર કરશે.
આ સાથે, પ્રતિજ્ઞામાં દેશની એકતા અને અખંડિતતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપસ્થિત સૌએ જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહીને, બંધુતાની ભાવના સાથે દેશને પ્રાધાન્ય આપવાનો સંકલ્પ લીધો હતો. આ ઉપરાંત, ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સૂત્રને સાકાર કરવા માટે ભારતીય બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહેવાની પણ સામૂહિક પ્રતિજ્ઞા લેવાઈ હતી.
