રાજ્ય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી અને રાગીની સીધી ખરીદી કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, ડાંગ

     ભારત સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે ટેકાનો ભાવ ડાંગર (કોમન) માટે રૂ. ૨૩૬૯/-પ્રતિ ક્વિ., ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ. ૨૩૮૯/- પ્રતિ ક્વિ., મકાઈ માટે રૂ. ૪૦૦/- પ્રતિ ક્વિ., બાજરી માટે રૂ. ૨૭૭૫/- પ્રતિ ક્વિ., (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ.) જુવાર (હાઈબ્રીડ) રૂ. ૩,૬૯૯/-પ્રતિ ક્વિ. (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ કિવ), જુવાર (માલદંડી) રૂ. ૩,૭૪૯/- પ્રતિ ક્વિ. (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ કિવ.) તથા રાગી માટે રૂ. ૪૮૮૬/- પ્રતિ ક્વિ. (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ.) નિયત કરવામાં આવેલ છે. ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણ ક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઇ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી., મારફતે કરવામાં આવનાર છે.

     લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર તથા રાગીનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ૦૧/૧૦/૨૦૨૫ થી ૩૧/૧૦/૨૦૨૫ સુધી કરવામાં આવશે તેમજ ડાંગરની ખરીદી તા. ૦૧/૧૧/૨૦૨૫ થી ૩૧/૦૧/૨૦૨૬ સુધી તથા મકાઈ, બાજરી, જુવાર તથા રાગની ખરીદી તા. ૦૧/૧૧/૨૦૨૫ થી ૩૦/૦૧/૨૦૨૬ સુધી કરવામાં આવશે. જેથી નોંધણી કરાવવા તમામ ખેડૂતો મિત્રોને અપીલ કરવામાં આવે છે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવા જણાવ્યું છે. 

     નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂનો, ૭/૧૨, ૮/અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨ કે ૮/અ માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડૂત ના નામના બેંક ખાતાની વિગત, બેંક પાસબૂકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજિયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

      ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે ખેડૂત ખાતેદાર બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે જેની નોંધ લેશો ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ નહી કરવામાં આવે તેની ખેડૂત મિત્રોએ નોંધ લેવી. તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.ના ડાંગ જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લા મેનેજેરની અખબારી યાદીમાં જણાવેલ છે. 

Related posts

Leave a Comment