દશરથ આઇટીઆઇ ખાતે દીક્ષાંત સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, વડોદરા

     શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ દશરથ સ્થિત આઈ.ટી.આઈ. ખાતે વર્ષ ૨૦૨૫માં વિવિધ ટ્રેડમાં પાસઆઉટ થયેલ તાલીમાર્થીઓ માટે “કૌશલ્ય દીક્ષાંત સમારોહ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં કુલ ૫૯૮ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. 

સમારોહના મુખ્ય અતિથિ તરીકે આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત, દશરથ ગ્રામ પંચાયતના સરપંચશ, ઉપસરપંચ, તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત મહેમાનોમાં ટાટા સ્ટ્રાઈવ સેન્ટરના મેનેજર જુબેર સૈયદ, બેંક ઓફ બરોડાના મેનેજર, તેમજ સંસ્થાનાં આચાર્ય વર્ગ-૨ શ્રીમતી એન.સી. ગોહિલ, સ્ટાફ અને તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે તાલીમાર્થીઓ તથા સ્ટાફ સભ્યો દ્વારા દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય “કૌશલ્ય દીક્ષાંત સમારોહ”નું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. સમારોહ દરમિયાન ૧૩ ટ્રેડના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ કુલ ૩૯ પાસઆઉટ તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે મેડલ તથા નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યા હતા. 

તદ્દપરાંત, ટાટા સ્ટ્રાઈવ દ્વારા ઈલેક્ટ્રીશિયન ટ્રેડના ૨૯ પાસઆઉટ તાલીમાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપક્રમે સંસ્થાના આચાર્યએ ટાટા સ્ટ્રાઈવ મેનેજમેન્ટનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે મહાનુભાવોએ તાલીમાર્થીઓને જીવનમાં સતત કૌશલ્ય વૃદ્ધિ દ્વારા આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા આપી અને સંસ્થાની ટીમને શુભકામનાઓ પાઠવી હતી.

Related posts

Leave a Comment