‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’ અંતર્ગત “સ્વચ્છોત્સવ” અભિયાનની ઉજવણી

હિન્દ ન્યુઝ, ડાંગ

    ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’ અંતર્ગત “સ્વચ્છોત્સવ” અભિયાનની ઉજવણી અભિયાનના ભાગરૂપે આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વઘઈ કૃષિ યુનિવર્સીટી ખાતે ૨ જી ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રંસગે નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે જણાવ્યું હતુ કે, ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિને ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે ખુબ જ સાર્થક અને પ્રેરણા દાયક બાબત છે. પૂ. બાપુ સ્વચ્છતાના આગ્રહી હતા, ત્યારે આપણે પણ સ્વચ્છતા બાબતે જાગૃત બનીએ, આપણા જીવનમા સ્વચ્છતા અપનાવી અન્ય લોકોમા જાગૃતતા લાવીએ, અને દરેક લોકોને આ અભિયાનમા સહભાગી બને તે માટે પ્રયત્ન કરીએ. 

ડાંગ જિલ્લાના તમામ પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ડાંગ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત જિલ્લો બનાવવાની નેમ પણ તેઓએ વ્યક્ત કરી હતી. સાથે જ ગામની સખી મંડળો દ્વારા રોજે રોજ ગામમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે તે માટે બહેનોને અનુરોધ કર્યો હતો. 

ડાંગ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન દરમિયાન જનભાગીદારીથી વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યાં છે. પરંતુ સ્વચ્છતા જાળવી રાખવા માટે આપણે સૌએ સંકલ્પબધ્ધ થવું પડશે. આપણે પોતાના ઘર, ગામ સ્વચ્છ, શાળા આંગણવાડી, બસ સ્ટેન્ડને સ્વચ્છ બનાવી રાખવું પડશે તેમ તેઓએ વધુમાં જણાવ્યું હતું. 

ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇને આ વેળા જણાવ્યું હતુ કે, પૂ.બાપુ હંમેશા સ્વચ્છતાના આગ્રહી હતા. ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’ અંતર્ગત “સ્વચ્છોત્સવ” ની ઉજવણીના ભાગરૂપે તા.૧૭મી સપ્ટેમ્બર થી ૨જી ઓક્ટોબર સુધી યોજાયેલ પખવાડીક અભિયાનમા, જિલ્લાના તમામ લોકો જોડાયા હતા. જે બદલ જિલ્લા પ્રમુખએ વહિવટી તંત્ર અને લોકોને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ પોતાના સ્વભાવ અને સંસ્કારને સ્વચ્છતા સાથે જોડવાની પણ તેમણે હાંકલ કરી હતી.

ડાંગ જિલ્લો પ્રાકૃતિક જિલ્લો છે, અહીં પ્રાકૃતિક સુંદરતા આવેલી છે ત્યારે આપણે સૌ જિલ્લાને સ્વચ્છ બનાવી રાખીએ તેમજ જાહેર સ્થળોએ કચરો ના કરીએ તેવી અપીલ વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિત દ્વારા કરવામાં આવી હતી. સાથે જ સ્વચ્છતા આપણા સૌ માટે પ્રેરણારૂપ બની રહે, તેમજ સ્વચ્છતાના મંત્રને આપણા જીવનમાં અપનાવીએ અને ડાંગ જિલ્લાને સ્વચ્છ જિલ્લો બનાવી રાખીએ તેમ જણાવી તેઓએ ‘સ્વચ્છ ડાંગ સુખી ડાંગ’ નો મંત્ર આપ્યો હતો.

મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતાં ત્યારે આજરોજ પૂજ્ય બાપુના જન્મ જયંતી નિમિત્તે તમામ લોકો સ્વચ્છતાનો સંદેશ અપનાવે તે જરૂરી છે, સ્વચ્છતા એ સંસ્કાર છે. બાળકોમાં સ્વચ્છતાના સંસ્કાર આપવા તેમજ પર્યાવરણને સ્વસ્થ બનાવી રાખવા અને સ્વચ્છતાનો સંદેશ જન જન સુધી પહોંચાડવા જિલ્લા વિકાસ અધિકારી કે. એસ વસાવાએ લોકોને અપીલ કરી હતી.

તાં. ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર દરમિયાન પ્રતિ વર્ષ સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ડાંગ જિલ્લામાં આ વર્ષે જાહેર સ્થળો, ધાર્મિક મંદિરો, બજારો, એસ. ટી. ડેપો, ગ્રામ્ય વિસ્તાર, તેમજ આંગણવાડી અને શાળાઓમાં સ્વચ્છતાની રેલીઓ, તેમજ સ્વચ્છતા જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધાઓ યોજી બાળકો અને લોકોમાં સ્વચ્છતા જાગૃતિ લાવવામાં આવી હતી. તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એસ. ડી. તબીયારે આ પ્રસંગે જણાવ્યું હતું. 

ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે સ્વચ્છતા અભિયાનમાં ૧૧ હજાર જેટલાં અધિકારી કર્મચારીઓ, તેમજ ૧ લાખ થી વધુ લોકોએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો છે. ડાંગ જિલ્લામાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવી છે. તેમ એસ.ડી. તબિયારે પુરક માહિતી આપતાં જણાવ્યું હતું.  

કાર્યક્રમના ભાગરૂપે સ્વચ્છતા બાબતે શ્રેષ્ઠ કામગીરી કરનાર તાલુકા, શાળાને પ્રમાણપત્ર તેમજ સફાઇ કર્મીઓને સન્માનિત કરાયાં હતાં. 

કાર્યક્રમની આભારવિધિ વધઈ તાલુકા વિકાસ અધિકારી સી.આર.પઢીયારે આટોપી હતી. 

આ કાર્યક્રમમાં અધિકારી/કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment