હિન્દ ન્યુઝ, માંગરોળ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વૈશ્વિક સ્તરે અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે. ત્યારે વડાપ્રધાનએ સહકારિતા મંત્રાલયને અલગ મંત્રાલય બનાવીને સહકારિતાના વિઝનને આગળ ધપાવતા ૬૦ જેટલા કલ્યાણકારી પગલાઓ લીધા છે. જેનાથી સહકારી મંડળીઓને અનેક ફાયદા પહોંચ્યા છે. ઉપરાંત તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા અમેરિકાથી કૃષિ-ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ તથા જીએસટીમાં ઘટાડાના નિર્ણયથી સહકારી મંડળીઓ તથા દૂધ મંડળીઓને તેનો સીધો લાભ મળશે. GST ઘટાડાના નિર્ણયનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોની બચતમાં વધારો કરવાનો અને ખેડૂતો સહિત નાના વેપારીઓને પ્રોત્સાહન આપવાનો છે. સાથોસાથ સ્વદેશી ઝુંબેશથી સમગ્ર દેશમાં આર્થિક ગતિવિધિઓને વેગ મળ્યો છે, જેના કારણે ખેડૂતો સહિત ગ્રાહકો અને વેપારીઓ બંનેને લાભ થઈ રહ્યો છે. જિલ્લાના સહકારી મંડળીઓ, સેવા સહકારી મંડળીઓ, સભાસદો, નાના વેપારીઓ, ખેડૂતોએ આ નિર્ણયને આવકાર્યો છે, ત્યારે વડાપ્રધાન દ્વારા લેવાયેલા આ દૃઢ નિર્ણયોથી ખુશ સુરતના પશુપાલકો તથા સહકારી મંડળીના સભાસદો વડાપ્રધાનને ૮ લાખ પોસ્ટકાર્ડ પાઠવીને આભાર વ્યકત કરશે.
