અરવલ્લીના મોડાસા ખાતે ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરાઇ

અરવલ્લી,

 

અરવલ્લી જિલ્‍લાકક્ષાના ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની મોડાસા ખાતે આનંદ અને ઉલ્‍લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય  પર્વ નિમિત્‍તે ઇજનેરી કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ધ્‍વજારોહણ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરની ઉપસ્‍થિતિમાં રાષ્‍ટ્રીય ધુનની સુરાવલીઓ વચ્ચે રાષ્‍ટ્રના આન-બાન-શાન સમો ગૌરવવંતો ત્રિરંગો લહેરાવી સલામી આપી ધ્‍વજવંદન કરાયું હતુ.

રાષ્ટ્રભૂમિના ૠણ અદા કરવાના આ અનેરા પ્રસંગેને શહિદવીર સપૂતોને વંદન કરી રાજય સરકારની કોરોના સામેની જંગમાં અહર્નિશ સેવારત આરોગ્ય, પોલીસ, પંચાયત અને મહેસૂલી કર્મીઓની સેવાઓ ખરેખર અભિનંદનને પાત્ર છે. જેમણે કોરોનાના કપરાકાળમાં પરીવારની ચિંતા સાથે રાષ્ટ્રસેવાને સમર્પિત રહ્યા.

વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, અરવલ્લી જિલ્લો ખૂબ જ ટૂંકા સમયગાળામાં વિકાસની ક્ષિતિજો સર કરી છે. આ  જિલ્લાની જનતાને કેટલાય લાંબા સમયથી સિવિલ હોસ્પિટલનું નિર્માણ થાય એ સ્વપ્ન હતું. જે ટૂંક સમયમાં પૂર્ણ થશે જેના માટે મોડાસાના પાલનપુર ગામે જગ્યાની ફાળવણી કરી આરોગ્ય વિભાગને કબ્જો સોંપવામાં આવ્યો છે. જેના થકી  ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારોને જીવેલણ બિમારીઓ સામે રક્ષણ મળી રહેશે.

અરવલ્લી જિલ્લામાં કૃષિક્ષેત્રે નવી ક્રાંતિ તરફ કદમ માંડ્યા છે જિલ્લાના દોલપુર મડાસણ  અને કિશોરપુરા કંપાઓએ સો ટકા સૂક્ષ્મ પિયત પધ્ધતિ અપનાવીને જળસંગ્રહની નવી રાહ ચિંધી છે, તેમણે ખેડૂતોની આવક બમણી કરવાના રાજય સરકારના પગલાને બિરદાવતા જણાવ્યું હતું કે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા છે. જેમાં મગફળી ઉત્પાદન કરતા ૧૦૧૫૭ ખેડૂતોની કુલ ૧૭૭૭૫ મેટ્રીક ટનની ખરીદી કરાઇ અને રૂ. ૯૦.૪૭ કરોડ રકમ ખેડૂતોના ખાતામાં સીધે સીધી જમા કરાવીને ખેડૂતોને આર્થિક સશક્તિ કરણ કરવાનું કામ કર્યુ છે. જયારે અરવલ્લી જિલ્લામાં આત્મનિર્ભર ગુજરાતમાં સહાય યોજનામાં કુલ ૬૯૦ લાભાર્થીઓની રૂ. ૬.૮૭ કરોડની લોન મંજૂર કરવામાં આવી છે જે પૈકી ૩૮૭ લાભાર્થીઓને રૂ. ૩.૮૭ કરોડની સહાય ચૂકવાઇ છે.

કલેકટરએ જણાવ્યું હતું લોકડાઉન અને અનલોકના સમયગાળા દરમિયાન જન સામાન્યને સંપૂર્ણ સેવાઓ પુરી પાડવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન બાળકોને પુરક પોષણ મળી રહે તે માટે સુખડીનું વિતરણ કરાયું છે. જયારે સ્વચ્છ અરવલ્લીની વાત કરતા ઉમેર્યુ હતુ કે, આપણો જિલ્લો ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે.જેમાં ૧.૩૦ લાખથી વધુ પરીવારોને ત્યાં શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.

કલેકટરએ રોજગારની વાત કરતા ઉમેર્યુ હતુ કે, લોકડાઉનના સમયગાળામાં અન્ય જિલ્લામાંથી પોતાના વતનમાં આવેલા અરવલ્લીવાસીઓને મનરેગા યોજના અંતર્ગત રોજગારીનું સર્જન કરવાનું કામ કર્યુ છે. જેમાં લોકડાઉનના સમયગાળામાં ગ્રામ્ય વિસ્તારમાં ૮.૨૫લાખ માનવદિનની રોજગારી પૂરી પાડી ૧૪.૨૩ કરોડ રૂ. વેતનની ચુકવણી કરવામાં આવેલ છે. તેમણે ઉમેર્યુ હતું કે, જિલ્લામાં અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં રુ.૧૧૮.૨૮ કરોડના ખર્ચે રસ્તાના કુલ ૧૪  કામો મંજુર કરાયા છે જયારે આગામી સમયમાં મોડાસા ખાતે નવીન આંબેડકર ભવન, સમરસ કુમાર છાત્રાલય, સમરસ કન્યા છાત્રાલય, વેટર્નરી હોસ્પિટલ, ખેડુત તાલિમ કેંન્દ્ર તથા નવીન મલ્ટી સ્ટોરી આઈ.ટી.આઈ તેમજ મેઘરજ તાલુકામાં  આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે નવીન ઓડીટોરીયમ તથા કસાણા ખાતે નવીન આઈ.ટી.આઈનું બાંધકામ કરવાનું આયોજન હાથ ધરાયું છે.

સમાહર્તાએ જિલ્લામાં પીવાની પાણીની વ્યવસ્થા સુદ્રઢ બની હોવાનું ઉમેરતા જણાવ્યું હતું કે જિલ્લાના “નલ સે જલ” યોજના અંતર્ગત આ જિલ્લામાં આગામી બે વર્ષમાં ૯૬૦૮૬ જેટલા ઘર જોડાણો આપવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત જિલ્લાના તમામ ઘરોને નળ ધ્વારા પીવાનું પાણી આપવામાં આવનાર છે.વાસ્મો દ્વારા ૮૮ યોજના પુર્ણ કરી ૯૧૫૧ ઘર જોડાણ કરવામાં આવેલ છે.

સ્વાતંત્ર્ય  પર્વે આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ સેવા કરનાર આરોગ્યકર્મીઓ, પોલીસ, પંચાયત અને મહેસૂલી કર્મીઓનું કલેકટરશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોલેજના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ સ્વાતંત્ર્ય  પર્વ નિમિત્‍તે જિલ્‍લા વિકાસ અધિકારી ડૉ.અનિલ ધામેલીયા, પોલીસ વડા સંજય ખરાટ અગ્રણી રણવીરસિંહ ડાભી, સહિત વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ તેમજ નગરજનો ઉપસ્‍થિત રહયા હતા.

રિપોર્ટર : મુકેશ પ્રજાપતિ, અરવલ્લી

Related posts

Leave a Comment