હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાની મનુભાઈ એ. શેઠ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમાર, બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, શિક્ષણ સમિતિના ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ વિવિધ પદાધિકારીઓ અને તમામ માન્ય સંઘોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ જિલ્લા કક્ષાના તેમજ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું મહાનુભાવોના હાથે સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ માર્ચ-2025માં ધોરણ-10 અને ધોરણ-12 ની બોર્ડની પરીક્ષામાં 100% પરિણામ લાવનાર 19 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યઓનુ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિશેષ પ્રતિભા ધરાવતા 15 વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
જિલ્લાની વિવિધ 33 જેટલી પ્રાથમિક શાળાઓના બાળકો બાહ્ય પરીક્ષાઓ જેવી કે CGMS, CET, PSE, NMMSમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી 23 શાળાઓના આચાર્યઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરીને તેમની કામગીરીને આજના શિક્ષક દિને બિરદાવવામાં આવી હતી.
મહાનુભાવો દ્વારા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જીવનકાળને યાદ કરીને બાળકોના ભવિષ્યને ઉજાગર કરવા માટે શિક્ષકોને ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવા આપવા માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લાના શિક્ષણના વડા ડૉ.ભરત વઢેરના માર્ગદર્શન હેઠળ તેમજ બોટાદ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રભાતસિંહ મોરી અને જિલ્લા મોડેલ સ્કૂલના આચાર્ય વિક્રમસિંહ પરમારની દેખરેખમાં જિલ્લા શિક્ષણની ટીમ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ શિક્ષકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા શિક્ષણની ટીમને આ વિવિધ કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા.
