“એક પેડ માં કે નામ 2.0 અભિયાન”
હિન્દ ન્યુઝ, બોટાદ
“એક પેડ માં કે નામ 2.00 અભિયાન” અંતર્ગત સામાજીક વનીકરણ વિભાગ, બોટાદ દ્વારા બોટાદની પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને 76મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, “દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ભારતને “લીલુંછમ ભારત” બનાવવાની નેમ લીધી છે. તે અનુસંધાને આપણી પણ જવાબદારી સવિશેષ વધી જાય છે. વન વિભાગના અધિકારીઓ દ્વારા સમગ્ર રાજ્ય અને દેશમાં વન મહોત્સવ રૂપે સુંદર કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. દેશમાં “એક પેડ માં કે નામ” અભિયાન વેગવંતુ છે. તમામ નાગરિકો પોતાના માતા માટે એક વૃક્ષનું રોપણ કરીને આ અભિયાનમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. અને આ અત્યારના સમય માટે ખૂબ જરૂરી છે. મનુષ્યના જન્મથી માંડી મૃત્યુ સુધી તે પ્રકૃતિ સાથે જોડાયેલો છે, જન્મ સમયે ઘોડીયું હોય કે મૃત્યુ સમયે ચિતા, તે પણ લાકડાથી બનેલું હોય છે. આમ, આપણે વૃક્ષો સાથે સતત જોડાયેલા છીએ. આપણાં રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વન મહોત્સવ ખૂબ જ ઉત્સાહપૂર્વક યોજાઇ રહ્યા છે. આપણાં રાજ્યમાં આગામી સમયમાં 150 વન બનાવવાનો લક્ષ્યાંક છે. સદભાવના ટ્રસ્ટ સાથે મળીને વૃક્ષનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. આપણા રાજ્ય અને દેશને હરિયાળો બનાવવા માટે સરકાર કામગીરી કરી રહી છે પરંતુ નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે સરકારના પ્રયત્નોને આપણે સહયોગ આપીએ, તમામ નાગરિકો વૃક્ષોનું વાવેતર કરે અને વાવેતર બાદ જતન પણ કરે. દરેક નાગરિક પોતાના વિસ્તાર પોતાના ગામમાં વૃક્ષારોપણ કરે, જો આપણે વૃક્ષોનું વાવેતર કર્યું હશે તો કુદરત આપણને ઓક્સિજનનું પ્રદાન કરશે અને ઓક્સિજનની શું કિંમત છે તે આપણે સૌએ કોરોનાકાળમાં બહુ સારી રીતે જાણ્યું છે. જો વૃક્ષારોપણ થશે તો જ આપણી પ્રકૃતિની હરિયાળી જળવાઈ રહેશે.” તેમ નાયબ મુખ્ય દંડક, ગુજરાત વિધાનસભા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ અવસરે બોટાદ જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયે પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, “વર્ષ 2025માં આપણે સૌ ક્લાઈમેટ ચેન્જ શબ્દ અને તેની અસરોથી વાકેફ છીએ.ક્લાઈમેટ ચેન્જની અનેક માઠી અસર આપણે અનુભવી રહ્યા છીએ. જીવ વિવિધતા ટકાવી રાખવા અને સંતુલન જાળવવા માટે વૃક્ષોનું આવરણ ખૂબ જરૂરી છે, દેશની પ્રગતિ માટે તમામ નાગરિકોને અનુરોધ છે કે આપણે પ્રકૃતિનું રક્ષણ કરીએ અને વૃક્ષારોપણ કરીએ.”
આ કાર્યક્રમમાં સામાજીક વનીકરણ વિભાગ ગાંધીનગરના અગ્ર મુખ્ય વન સંરક્ષક આર. કે સુગૂર અને ગઢડાના ધારાસભ્ય મહંત શંભુપ્રસાદજી ટુંડિયાએ પ્રાસંગિક પ્રવચન કરી ઉપસ્થિતોને વૃક્ષારોપણ કરવા પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમમાં સ્વાગત વિધિ બોટાદ નાયબ વન સંરક્ષક ગોવિંદસિંહ સરવૈયા અને આભાર વિધિ મદદનીશ વન સંરક્ષક બી.સી.બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રાર્થનાગીત અને સ્વાગત ગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં સામાજીક વનીકરણ વિભાગમાંથી ઉમદા કામગીરી કરનારા અધિકારી-કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ લાભાર્થીને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ તમામ મહેમાનોએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યુ હતું. તેમજ ઉપસ્થિત મહેમાનોએ વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાત, પી.એમ. જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય ગોપાલ ચોપડે, અગ્રણીશ મયૂરભાઈ પટેલ, પાલજીભાઈ પરમાર, મનહરભાઈ માતરીયા, ભોળાભાઈ રબારી સહિતના આગેવાનો, મોટી સંખ્યામાં નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વર્ષ 2025-26માં સામાજીક વનીકરણ વિભાગ- બોટાદ દ્વારા ખાતાકીય નર્સરીમાં 7.014 લાખ તેમજ 3.15 લાખ રોપા ડી.સી.પી. નર્સરી યોજના હેઠળ ઉછેર કરવામાં આવ્યા છે. જેમાં ડી.સી.પી. નર્સરીનો ઉછેર કરવા માટે બોટાદ જિલ્લાના કુલ 19 લાભાર્થીઓને રૂ. 13.55 લાખની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવી છે. વર્ષ 2025-26ના વર્ષમાં 118 હેક્ટર વિસ્તારમાં 1.58 લાખ રોપા વાવેતરનો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો છે. જેમાંથી બોટાદ જિલ્લામાં 62.50 હેક્ટર વિસ્તારમાં કુલ 0.88 લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવનાર છે. વર્ષ 2025-26માં સામાજીક વનીકરણ વિભાગ-બોટાદ દ્વારા બોટાદ જિલ્લામાં 7 હેક્ટરમાં 70 હજાર રોપા રોપીને 5 વન કવચ એટલે કે મિયાંવાકી પદ્ધતિથી ફોરેસ્ટ તૈયાર કરવામાં આવશે.
