હિન્દ ન્યુઝ, રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને રાજકોટ શહેર અને જિલ્લામાં વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે. રાજ્યભરમાં ૭૬મા વન મહોત્સવની ઉજવણીમાં નાગરિકો જોડાઈને વૃક્ષો વાવી રહ્યાં છે. ત્યારે રાજકોટ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા મહાનગરપાલિકા કક્ષાનાં ‘એક પેડ મા કે નામ ૨.૦’ અંતર્ગત વન મહોત્સવની ઉજવણી કરાઈ હતી.

આ પ્રસંગે મેયર નયનાબેન પેઢડીયાએ શહેરીજનોને વૃક્ષ વાવી શહેરને ગ્રીન રાજકોટ, ક્લિન રાજકોટ બનાવવા અપીલ કરી હતી. ૭૬ વર્ષથી આપણે વન મહોત્સવનો વારસો જાળવી વૃક્ષો વાવી રહ્યાં છે તેમ મેયરશ્રીએ ઉમેર્યું હતુ. વન મહોત્સવ એ ફક્ત કાર્યક્રમ નથી, પણ જન આંદોલન છે. દરેક નાગરિકે પોતાના જન્મદિવસ, લગ્ન જેવા પ્રસંગોએ વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઈએ, તેમ મેયર એ અપીલ કરતાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સાંસ્કૃતિક વન વિકસાવી પર્યાવરણ સાથે વિવિધ સ્થળોને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં હરિયાળી ક્રાંતિનાં આ ઉત્સવને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ વધારી રહ્યાં છે.
આ તકે ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહએ રાજકોટ શહેર અને જિલ્લામાં વૃક્ષારોપણ બાબતે નાગરિકોમાં વધતી જાગૃતિને બિરદાવી હતી. અને રાજકોટ વન વિભાગ દ્વારા ગત દિવસોમાં ૧.૯૦ લાખ વન કવચ અને રોપાનું વિતરણ, જિલ્લામાં ૧૦ લાખથી વધુ રોપાનું વિતરણ કરી શહેર અને જિલ્લાને ગ્રીન બનાવવા કટિબદ્ધ સામાજિક વનીકરણ વિભાગની સરાહના કરી હતી.

ધારાસભ્યએ વધુમાં કહ્યુ કે, વૃક્ષ આપણું જીવન અને પ્રાણવાયુ છે. વૃક્ષોના અઢળક ફાયદા છે. જેમ આપણે મકાન, સોનું, ગાડી, બંગલો વગેરે સંપત્તિનું ગૌરવ લઈએ છીએ, તેમ મારી પાસે પોતાનાં રોપેલા આટલા વૃક્ષોની સંપત્તિ છે તે બદલ વૃક્ષ સંપત્તિનું ગૌરવ લેવા નાગરિકોને અપીલ કરી હતી.
આ તકે મહાનુભાવઓએ કોલેજમાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે પર્યાવરણનું મહત્વ સમજાવતા સ્ટાફને વૃક્ષનાં રોપાથી સન્માનિત કર્યા હતા.


