હિન્દ ન્યુઝ, પાલીતાણા
૭૯મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ગરીમામય ઉજવણી પાલીતાણા ખાતે જિલ્લા કલેકટર ડૉ.મનીષ કુમાર બંસલની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરએ ધ્વજવંદન કરાવી ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલે ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, આજે ’માં’ ભારતીની આન, બાન અને શાનની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનારાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશ સેવા માટે ખપી જનાર મહાનુભાવોને યાદ કરવાનો અને તેમની શહાદતનું સ્મરણ કરવાનો દિવસ છે. તેમણે પાલીતાણાના નગરજનોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, પાલીતાણા જૈનોનું શાશ્વત તીર્થ છે, જ્યાં ભગવાન આદિનાથ સાક્ષાત બિરાજમાન છે.
તેમણે કહ્યું કે, આજનો દિવસ ગૌરવ અને શાનથી મસ્તક ઉંચુ રાખવાની તમન્નાઓને આંખમાં આંજીને સતત આગળ વધતાં રહેવાની પ્રેરણા આપનારો દિવસ છે. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ તથા આપણાં દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર, શહીદ ભગતસિંહ અને આપણાં જ ભાવેણાંના રતન એવાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું સ્મરણ અને ભાવવંદના કરવાનો આ દિવસ છે.
તેમણે કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર’દ્વારા મા ભારતી પર વાર કરવાનું શું પરિણામ આવે? એ ભારતે સમૂચિત રીતે દર્શાવી દીધું છે. ભારતીય લશ્કરના શૌર્ય અને સામર્થ્યથી ભારતે પાકિસ્તાનના દાંત ખાટાં કરવા સાથે ભારત પોતાના સાર્વભૌમત્વ પર કોઈપણ પ્રકારના પ્રહારને સાંખી લેશે નહીં તેનું વિશ્વને દર્શન કરાવ્યું છે. આ સાથે ભારતે લશ્કરી ક્ષેત્રે સાધેલા ટેક્નોલોજીકલ વિકાસ તથા યુદ્ધમાં કેળવેલી નિપુણતાના દર્શન પણ ઓપરેશન સિંદૂર દ્વારા કરાવ્યા છે. ઓપરેશન સિંદૂર દરમ્યાન સૌનું ધ્યાન ખેચનાર કર્નલ સોફિયા એ આપણા ગુજરાતની ધરતીનુ ગૌરવ છે. ભારતીય સેનાની આ વડોદરાની વિરાંગનાએ વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ સાથે મળીને ઓપરેશન સિંદૂર પાર પાડ્યુ હતુ. ઓપરેશન સિંદૂર કોઈ સામાન્ય લશ્કરી કાર્યવાહી નથી, પરંતુ ભારતની નીતિ, ઉદ્દેશ્ય અને નિર્ણાયકતાના ત્રિમૂર્તિની અભિવ્યક્તિ છે. ઓપરેશન સિંદૂરની સફળતાએ રાષ્ટ્રના સંકલ્પને મજબૂત બનાવ્યો છે. આપણા દેશને એક કર્યો હોવાનું જણાવ્યું હતું.
કલેકટરએ કહ્યું કે, ભારત આઝાદ થયાં પછી દેશે અનેક વિકાસની નવી ક્ષિતિજો કંડારી છે. ભારતના આ વિકાસનું શિરમોર બિંદુ ગુજરાત રાજ્ય છે. ગુજરાતે દેશના વિકાસની લીડ લીધી છે.
તેમણે કહ્યું કે, ગુજરાત આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અંકિત કરેલાં પદચિહ્નો પર ચાલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની રાહબરી હેઠળ ’લેન્ડ ઓફ ઓપુર્ચ્યુનિટી’ બની ચૂક્યું છે. ગુજરાતના નગરો ‘લવેબલ અને લીવેબલ’ બની વિશ્વનાં શહેરોની હરોળમાં આવી રહ્યાં છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારે દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિથી સંવેદનશીલતાપૂર્વક, પરિણામલક્ષી, નિર્ણાયકતા દાખવી જન-જનને પારદર્શક શાસનની પ્રતીતિ કરાવી પ્રગતિશીલતાના દર્શન કરાવ્યાં છે. શહેરો અને ગામોના સમતોલ વિકાસની પરિભાષા ગુજરાતમાં અંકિત થઈ છે. ખેડૂતો, મહિલાઓ, યુવાનો, વંચિતો સહિત સમાજના તમામ લોકોને વિકાસની મુખ્યધારામાં લાવવાના સમુચિત પ્રયાસો ‘ટીમ ગુજરાત’ના પરિણામલક્ષી નિર્ણયોને કારણે શક્ય બન્યાં છે.
કલેકટરએ જણાવ્યું કે, ગુજરાત આજે દેશ અને દૂનિયામાં સામાજિક, આર્થિક અને ગુડ ગવર્નન્સનું રોલ મોડલ છે. અનાજ હોય કે પછી ઔદ્યોગિક ઉત્પાદન, સિંચાઇ હોય કે પછી સ્કીલ ડેવલપમેન્ટ, આરોગ્ય હોય કે અર્બન ડેવલપમેન્ટ, ગ્રામ્ય આજીવિકા, આદિવાસી જનજાતિ કે પશુપાલન ગુજરાતે દરેક માપદંડમાં હરણફાળ ભરી છે. ફાર્મા અને કેમિકલ્સ, ટેક્સટાઈલ્સ અને ડેનીમ, ઓટોમોબાઈલ્સ અને ઓટો પાર્ટસ, પેટ્રોલિયમ કે પેટ્રોકેમિકલ્સ સહિત ગુજરાત દરેક ક્ષેત્રમાં દેશ અને દૂનિયામાં અગ્રણી બની રહ્યું છે.
તેમણે ભાવનગરના ઈતિહાસની વાત કરતા કહ્યું કે, કલાનગરી તરીકે ખ્યાતિપ્રાપ્ત ભાવનગરની સ્થાપનાની આજદિન સુધીની વાત કરીએ તો રાજસ્થાનના મારવાડના ખેરગઢથી સૌરાષ્ટ્રમાં ઉતરી આવેલાં ગોહિલ રાજવંશનાં મૂળ પુરુષ સેજકજીએ સાયલા પાસે સેજકપર વસાવી ત્યાં પ્રથમ ગાદી સ્થાપી હતી. આપત્તિના સમયમાં ભાવનગરના રાજવીઓએ પ્રજાને હંમેશાં ઉદાર હાથે મદદ કરી છે.
કલેકટરએ કહ્યું કે, ભજનની ભૂમિ એવાં સૌરાષ્ટ્રમાં ભજનમાં ભાવ ભરવાનું કાર્ય કરતાં વાજીંત્ર એવાં હાર્મોનિયમ માટેનું મોટું મથક પાલિતાણા છે. પાલિતાણાની પ્રખ્યાત હાર્મોનિયમની સુરાવલીઓ આજે પણ મનને તરબતર કરી દે છે. પાલીતાણાનું ભરતકામ આજે પણ એટલું જ પ્રખ્યાત છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ શેત્રુંજી ડેમ પાલીતાણા તાલુકામાં આવેલો છે.
તેમણે ભાવનગર જિલ્લાને તપોભૂમિ ગણાવી આ જિલ્લામાં નરસિંહ મહેતા, સંત શિરોમણીશ્રી બજરંગદાસ મહારાજ સહિતના લોકોએ આ ભૂમિને સાક્ષર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
ભાવનગરનો ઇતિહાસ જેમના નામોલ્લેખ વગર અધૂરો છે તેવાં પ્રાત:સ્મરણીય મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરી કલેકટરએ જણાવ્યું કે, પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજીએ કરેલાં પ્રજાકીય કાર્યોને આ તકે યાદ કરીને હું નત મસ્તક વંદન કરું છું.
તેમણે કહ્યું કે, “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” થીમ હેઠળ ભાવેણાવાસીઓએ શેરીઓ, મહોલ્લા, દુકાનો શોપિંગ મોલ વગેરે સ્થળોએ તિરંગા લગાવીને એમની સહભાગિતા નોંધાવી છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત લાખો વિદ્યાર્થીએ દેશના સૈનિકોને પત્રો લખી શુભેચ્છા પાઠવી છે.
તેમણે કહ્યું હતું કે, ભારત સરકારની યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથેની ભાગીદારીથી ભાવનગરમાં રાજ્યનું સૌ પ્રથમ અન્નપૂર્તિ (અનાજનું એ.ટી.એમ.) એ પોષણ સુરક્ષા પૂરી પાડવા માટેની એક મહત્ત્વપૂર્ણ પહેલ છે.
ભાવનગર જિલ્લામાં મુખ્યત્વે પ્લાસ્ટીક ઉદ્યોગ, ડીહાઈડ્રેશન પ્લાન્ટ, શીપ બ્રેકીંગ ઉદ્યોગ, એન્જીનિયરીંગ ઉદ્યોગ, હિરા ઉદ્યોગ તથા રોલીંગ મીલ ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકાસ પામ્યા છે. જિલ્લામાં ઉદ્યમ રજીસ્ટ્રેશનના પ્રમાણે જુલાઈ-2025ની સ્થિતિએ કુલ- 73 હજારથી વધુ ઉદ્યોગો રજીસ્ટર્ડ થયેલાં છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં વિવિધ યોજના અન્વયે ઔદ્યોગિક નીતિ 2015 માં કુલ- 71 એકમોને રૂા. 2 કરોડ 69 લાખ અને ઔદ્યોગિક નીતિ-2020 માં કુલ- 601 એકમોને રૂા. 33 કરોડ અને ઔદ્યોગિક નીતિ-2022 માં કુલ- 288 એકમોને રૂા.11 કરોડ તેમજ MDA (માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ) પોલિસીમાં કુલ- 185 એકમોને આશરે રૂા. 4 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
કલેકટરએ કહ્યું કે, સમાજનો છેવાડાનો વ્યક્તિ વિકાસથી વંચિત ન રહી જાય એ માટે ભાવનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા વર્ષ-૨૦૨૪-૨૫માં 130 લાભાર્થીઓને દિવ્યાંગ સાધન સહાય યોજનામાં સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે.
કલેકટરએ કહ્યું કે, ભાવનગર જિલ્લામાં અનાથ, વિધવા, ત્યક્તા તેમજ નિરાધાર થયેલી મહિલાઓ માટે પાલીતાણા ખાતે નારી સંરક્ષણ કેન્દ્ર કાર્યરત છે.
તેમણે કહ્યું કે, લખપતિ દીદી કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લાની સ્વ સહાય જૂથ સાથે સંકળાયેલી 5175 બહેનો વાર્ષિક રૂ. 1 લાખ કરતા વધુ આવક મેળવી રહ્યા છે. જ્યારે ડ્રોન દીદી કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની ૩ બહેનોને ડ્રોન ઓપરેશન તાલીમ અને ડ્રોન આપવામાં આવ્યા છે, જેનાથી તેઓ આર્થિક ઉપાર્જન મેળવે છે.
કલેકટરએ કહ્યું કે, પાલિતાણા તાલુકાની શ્રી લોક વિદ્યાલય વાળુકડની કુ. મનાલીબેન રાજુભાઇ પરમાર હેંડબોલ રમતમાં ભારતની ટીમમાં સ્થાન પામીને ચીન ખાતે યોજાયેલ ૧૧મી એશિયન હેંડબોલ ચેમ્પિઓનશીપમા ભાગ લીધો હતો. ભાવનગર જિલ્લાના કૃષ્ણપાલસિંહ ગોહિલ બાસ્કેટબોલ રમતમાં ભારતની ટીમમાં સ્થાન પામીને ફિશુ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ -૨૦૨૫, જર્મની ખાતે રમવા ગયેલા છે. ઉત્તરાખંડ ખાતે યોજાયેલ ૩૮ મી નેશનલ ગેમ્સ ૨૦૨૫ માં ભાવનગર જિલ્લાની નામના જયસ્વાલ અને રીયા જયસ્વાલ ટેબલ ટેનિસ રમતમાં ગુજરાતની ટીમમા સ્થાન પામી છે.
તાજેતરમાં અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના અને પહલગામ હુમલામાં ભાવનગર જિલ્લાના બે લોકોએ જીવ ગુમાવ્યાં છે એ ખોટ ક્યારેય પુરી શકાય તેમ નથી, એનુ તેમણે ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું હતું.
આ વેળાએ કલેકટર અને મહાનુભાવોના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 32 લોકોને સન્માનિત કરાયાં હતાં. જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરનારને કૃતિ દીઠ આઠ હજાર રૂપિયા રોકડ પુરસ્કાર અને મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા હતા.
આ અવસરે જિલ્લા કલેકટર સહિત અન્ય મહાનુભાવોના હસ્તે જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરાયેલી વિકાસ વાટિકા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ બાદ જિલ્લા કલેકટર તથા મહાનુભાવોના હસ્તે પાલીતાણા વિશ્રામગૃહ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.
આ વેળાએ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમે સૌ કોઈ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.
આ અવસરે પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.હર્ષદ પટેલ, પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યા, નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, પ્રાંત અધિકારી અંકિત પટેલ, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ-પદાધિકારીઓ, તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
