હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગ્રામીણ મહિલાઓના સશક્તિકરણ માટેનો અભિગમ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન અન્વયે લોન સહાય કામગીરી બાબતે રાજ્યના મંત્રીઓની ઉપસ્થિતિમાં સહકારી બેંકોના અધ્યક્ષઓ તથા ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની તથા મહિલા-બાળ વિકાસ, ગ્રામ વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે આજે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.
મુખ્યમંત્રીએ કો-ઓપરેટીવ બેંકોને ગ્રામીણ સ્વ-સહાય જૂથ – સખી મંડળોને લોન-ધિરાણ આપવાની પ્રક્રિયામાં સરળતા સાથે વધુ ગતિ લાવવાનો અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વ-સહાય જૂથોની બહેનોને આત્મનિર્ભર બનાવવાનો જે નિર્ધાર કર્યો છે તેને આવા વધુને વધુ લોન-ધિરાણથી પાર પાડી શકાશે.
મુખ્યમંત્રીએ ગ્રામીણ માતૃશક્તિ પ્રત્યે આગવી સંવેદના દર્શાવતા સહકારી બેંકોને આવા લોન-ધિરાણ માટે કેમ્પના જિલ્લા સ્તરે આયોજન માટે તથા બહેનોને લોન-ધિરાણ મેળવવાની સમજ આપીને યોગ્ય તાલીમ માટેના વર્કશોપ-કેમ્પ ક્લસ્ટર લેવલે યોજવા માટે દિશાનિર્દેશ આપ્યા હતા. મુખ્યમંત્રીએ સહકારી બેંકોના અધ્યક્ષો અને રાજ્ય સરકારના સંબંધિત અધિકારીઓ વચ્ચે આ પ્રકારની સમીક્ષા બેઠક ગ્રામ વિકાસ મંત્રી કક્ષાએ નિયમિતપણે દર ત્રણ માસે યોજાય તેવું સૂચન પણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ખેતી, ઉત્પાદન અને વેપાર તથા અન્ય આજીવિકા સાથે જોડાયેલા કુલ 2.84 લાખ ગ્રામીણ સ્વ-સહાય જૂથો કાર્યરત છે, જેમને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) અન્વયે 2025-26ના આ વર્ષમાં 88,200 સ્વ-સહાય જૂથોને લોન ધિરાણ લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 13 હજારથી વધુ જૂથોને ધિરાણ આપવામાં આવેલ છે.
ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ, સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતી પણ આ બેઠકમાં સહભાગી થયા.

