ચૂંટણીને લગતા ચોપાનીયા ભીંતપત્રો વગેરેના મુદ્રણ પર નિયંત્રણ મુકવા અંગેનું જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫

હિન્દ ન્યુઝ, ભાવનગર  

રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે, જે અનુસાર ભાવનગર જિલ્લાની કુલ-૪૬૬ ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાનાર છે, જેનું મતદાન તા.૨૨/૬/૨૦૨૫ ના રોજ થનાર છે. 

ઉમેદવારોના ખર્ચ ઉપર નિયંત્રણ રાખવા તથા ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો વગેરેના મુદ્રણમાં શાબ્દીક નિયંત્રણ માટે ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીતપત્રો વગેરેના મુદ્રણ પર નિયંત્રણ રાખવું આવશ્યક હોવાથી ભાવનગર જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડૉ.મનીષ કુમાર બંસલે તેમને મળેલ સત્તાની રૂઇએ ઉક્ત હુકમ કર્યો છે. જેમાં કોઇપણ વ્યકિત જેના પર મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો, હેન્ડબીલ, પ્લેકાર્ડ છાપી કે પ્રસિધ્ધ કરી શકશે નહી અથવા છુપાવી કે પ્રસિધ્ધી કરાવી શકશે નહી.

 કોઇપણ વ્યકિત ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી શકશે નહી કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહી સિવાય કે, (ક) તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતો હોય તેવી વ્યકિતઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય. (ખ) ઉમેદવારો તરફથી પ્રચાર માટે હોડીંગ, પ્લેકાર્ડ પોસ્ટર, ચોપાનીયા, ભીંતપત્રો વગેરે સાહિત્ય છાપવામાં આવે ત્યારે જે તે પ્રેસના માલિક કે મુદ્રકે આવા સાહિત્ય ઉપર પોતાનું નામ, મુદ્રકનું નામ સરનામું તથા છાપેલા સાહિત્યની સંખ્યા લખવાની રહેશે.

છાપકામની કોઇપણ બાબત જે ગેરકાયદે અપરાધ પૂર્વગ્રહ ઉભો કરતા અથવા લીંગ, ધર્મ, જાતિ, જ્ઞાતિ, સમાજ અથવા ભાષા અથવા સામાવાળાના ચારિત્ર્ય પર હુમલા જેવી વાંધાજનક બાબતો હોવી જોઇએ નહીં. વ્યકિતગત આક્ષેપો થઇ શકે તેવું લખાણ ન હોવુ જોઇએ. આચારસંહિતાનો ભંગ થાય તેવુ કોઇ લખાણ લખી શકાશે નહી. 

આવુ સાહિત્ય છાપનારે તેની નકલ ચૂંટણી અધિકારીશ્રીને મોકલી આપવાની રહેશે. કોઈપણ ચુંટણીની બાબતો છાપવાનું હાથ પર લેતા પહેલા છાપનારે છપાવનાર પાસેથી નિયત કરેલ નમુના મુજબનું એકરારનામું મેળવવાનું રહેશે. એકરારનામામાં છપાવનારની સહી, બે અગત રીતે ઓળખતા હોય તેવા સાક્ષીઓએ પ્રમાણિત કરવી. આ સુચનાની તમામ પ્રિન્ટીંગ પ્રેસના માલિકો-મુદ્રકોએ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. ઉમેદવારે આ અંગે કરવામાં આવેલ ખર્ચની વિગતો, ખર્ચ રજીસ્ટરમાં નોંધવાની રહેશે. 

આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું ભાવનગર જિલ્લાની ચુંટણી હેઠળની ગ્રામ પંચાયતોમાં સમાવિષ્ટ વિસ્તાર તથા ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સમાવિષ્ટ સાહિત્ય, મુદ્રક કે પ્રેસ છાપકામની કામગીરી કરતા તમામને લાગુ પડશે. આ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પુરી થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

Related posts

Leave a Comment