હિન્દ ન્યુઝ, અમદાવાદ
ઓલ્ડ સિટી મિરઝાપુરમાં આવેલી અમદાવાદ જનરલ પોસ્ટ ઓફિસ (GPO) માં નાગરિકોને તેમના આધાર કાર્ડને અપડેટ કરવા અને સંબંધિત સેવાઓનો લાભ લેવા માટે પોસ્ટ માસ્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પોસ્ટ ઓફિસ ખાતે, નાગરિકો નિઃશુલ્ક નવી આધાર નોંધણી કરાવી શકે છે તેમજ બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ પણ નિઃશુલ્ક થાય છે. ડેમોગ્રાફિક વિગતો જેવી કે નામ, સરનામું, જન્મતારીખ વગેરેમાં સુધારા માટે ₹૫૦ નો શુલ્ક અને ફોટો, ફિંગરપ્રિન્ટ તથા આઇરિસ સ્કેન જેવા બાયોમેટ્રિક અપડેટ માટે ₹૧૦૦ નો શુલ્ક નિર્ધારિત કરવામાં આવ્યો છે.
જી.પી.ઓ.ના ડેપ્યુટી ચીફ પોસ્ટ માસ્ટર શ્રી એ. આર. શાહના જણાવ્યા મુજબ બાયોમેટ્રિક અપડેટ, જેમાં વ્યક્તિનો નવો ફોટો, ફિંગરપ્રિન્ટ અને આંખની કીકીનું સ્કેન (આઇરિસ સ્કેન) શામેલ છે, તે ખાસ સંજોગોમાં આવશ્યક બને છે. જો કોઈનું આધાર કાર્ડ ૧૦ વર્ષ કે તેથી વધુ સમય જૂનું હોય, તો તેને અપડેટ કરાવવું જરૂરી છે. તે જ રીતે, બાળકોના કિસ્સામાં, જો ‘બાળ આધાર’ ૫ વર્ષથી ઓછી ઉંમરે કાઢવામાં આવ્યું હોય, તો બાળકની ૫ વર્ષની ઉંમર પૂર્ણ થયેથી અને ફરીથી ૧૫ વર્ષની ઉંમર પૂર્ણ થયેથી બાયોમેટ્રિક અપડેટ કરાવવું ફરજિયાત છે.
આ ઉપરાંત, જો બાળકના આધાર કાર્ડમાં રહેલો ફોટો આશરે ૫-૬ વર્ષ જૂનો હોય અને તેના દેખાવમાં નોંધપાત્ર ફેરફાર થયો હોય, તો પણ બાયોમેટ્રિક અપડેટ કરાવવું જોઈએ.

