રોકડિયા પાકનું વાવેતર કરીને રોકડી કમાણીની સાથે કૃષિલક્ષી યોજનાની સહાયના લાભ મેળવીને પ્રગતિ

હિન્દ ન્યુઝ, રાજકોટ

    ગુજરાત સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાકીય સહાય, પાક પદ્ધતિમાં નવા અભિગમ તેમજ સિંચાઈની સુવિધા થકી અનેક ખેડૂતો સફળ રીતે ખેતી કરીને સમૃદ્ધ થઈ રહ્યા છે. અહીં વાત છે પડધરી તાલુકાના એક એવા ખેડૂત પરિવારની, જે છેલ્લા ત્રણ વર્ષથી માત્ર રોકડિયા પાકનું વાવેતર કરીને રોકડી કમાણીની સાથે કૃષિલક્ષી યોજનાની સહાયના લાભ મેળવીને પ્રગતિ કરી રહ્યો છે.

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના બોડીઘોડી ગામમાં ભાણજીભાઈ ભીમાણીનો પરિવાર ૨૮ વિઘા જેટલી જમીન ધરાવે છે. ભાણજીભાઈના પુત્રો હિતેશભાઈ તથા હરેશભાઈએ છેલ્લા ત્રણ વર્ષથી ખેતીમાં પરંપરાગત પાકને બદલે તરબૂચ, ટેટી, ગલગોટા ફૂલ તેમજ શેરડી બિયારણના રોકડીયા પાક પર જ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જેના થકી તેઓ ત્રણ વર્ષથી નોંધપાત્ર આવક રળી રહ્યા છે.

આ પરિવારે તરબૂચ-ટેટીના વાવેતરમાં ‘પ્લાસ્ટિક મલ્ચિંગ’ કરવા ‘ક્રોપ કવર’ હેઠળ રૂપિયા ૫૪ હજાર જેવી સરકારની સહાય પણ મેળવી છે. જેના માટે તેઓ ગુજરાત સરકારનો આભાર માને છે.

રાજકોટ બાગાયત શાખાના અધિકારીઓનો સંપર્ક થતાં, તેમના તરફથી અમને વિવિધ યોજનાકીય સહાયની માહિતી મળી હતી. એ પછી અમે આ વર્ષે તરબૂચ અને ટેટીના વાવેતરમાં ‘ક્રોપ કવર’ માટે ‘પ્લાસ્ટિક મલ્ચિંગ’ કરવા અરજી કરી હતી. જેના માટે કુલ મળીને રૂપિયા ૫૩ હજાર જેવી રકમની સહાય અમને મળી છે. વર્ષ ૨૦૧૭-૧૮માં કારેલાનો કાચો મંડપ કરવા માટે રૂ.૨૭ હજારની સહાય મળી હતી. ઉપરાંત ડ્રીપ ઈરિગેશન માટે પણ તેમને ૬૦ ટકા જેવી સહાય મળી છે.

પાકોના વેચાણ અંગે તેમણે કહ્યું હતું કે, તરબૂચ અને ટેટીનું અહીં ખેતરથી જ ‘બહુચરાજી ફાર્મ’ના નામથી વેચાણ કરીએ છીએ અને લોકો અહીંથી જ ખરીદી કરીને લઈ જાય છે. ક્યાંય વેચવા જવું નથી પડતું. વળી, શેરડીનું બિયારણ વેચતા હોવાથી પણ ખેડૂતો સામેથી ખરીદી કરવા આવે છે.

ખેડૂતલક્ષી સહાય સરળતાથી મળવા બદલ તેમણે ગુજરાત સરકાર તેમજ બાગાયત વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

Leave a Comment