હિન્દ ન્યુઝ, રાજકોટ
પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ વિંછીયા તાલુકાના સનાળા ગામે રૂ.૩૩.૭૬ લાખનાં ખર્ચે બનનારા નવા ચેકડેમનું ખાતમુર્હૂત કર્યું હતુ. સ્થાનિક વોંકળા ઉપર પાણીના સંગ્રહ માટે નવો ચેકડેમ બન્યા બાદ ૨૦ હેક્ટર જમીનને સિંચાઈનો પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ મળશે.
ચેકડેમની કામગીરી પૂર્ણ થયે ગામના ૧૦૦ જેટલા ખેડૂતોની ૨૦ હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળશે. ડેમમાંથી પાણી ખાલી થયા બાદ જરૂર પડ્યે સૌની યોજનામાંથી ચેકડેમ ભરાય, તેવી વ્યવસ્થા કરાઈ છે, જેથી ખેડૂતોને સિંચાઈનો પૂરતો લાભ મળી રહે. આ ઉપરાંત, ગામના કુવા, બોર વગેરે રીચાર્જ કરવા સુજલામ સુફલામ જળસંચય યોજનાનો લાભ લેવા સિંચાઈ વિભાગનો સંપર્ક કરવા મંત્રીશ્રીએ ગ્રામજનોને અપીલ કરી હતી.
ગામમાંથી પસાર થતા સ્થાનિક વોંકળા ઉપર આશરે ૨૪ મી. લંબાઇમાં કોંક્રીટનો ચેકડેમ બાંધવાથી કુલ કેચમેન્ટ એરીયા ૧૧.૮૫ ચો.કિમી. જેટલો રહેશે. ઉપરવાસમાં આશરે ૪૦૦ મીટર જેટલો પાણીનો ભરાવો થવાથી ૭૦ લાખ લીટર પાણીનો સંગ્રહ થશે. આ ઉપરાંત કુવાઓ ચાર્જ થશે અને જમીનમાં પાણીના તળ ઉંચા આવશે.
