ક્રિકેટનો મહાકુંભઃ 30 એપ્રિલથી શ્રી ખોડલધામ યુવા સમિતિ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, રાજકોટ 

     શ્રી ખોડલધામ યુવા સમિતિ દ્વારા આગામી તારીખ 30 એપ્રિલ થી 8 મે સુધી રાજકોટ નજીક આવેલા પાળ ગામના એસજી ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ખોડલધામ યુવા સમિતિ આયોજિત સૌપ્રથમ શ્રી ખોડલધામ યુવા પ્રિમિયર લીગ (KYPL)માં ગુજરાતભરમાંથી 32 ટીમો સહભાગી થશે અને આ તમામ ટીમો વચ્ચે 9 દિવસ સુધી ક્રિકેટનો જંગ જામશે.

      સમાજના યુવાનોનું સંગઠન મજબૂત બને, ભાઈચારો વધે અને યુવાનોના કૌશલ્યને વેગ આપવાના શુભ ઉદ્દેશથી 30 એપ્રિલ થી 8 મે સુધી શ્રી ખોડલધામ યુવા પ્રિમિયર લીગ (KYPL)નું આયોજન કરાયું છે. અખાત્રીજના દિવસે એટલે કે 30 એપ્રિલના રોજ સાંજે 6 કલાકે પાળ ગામે આવેલા એસજી ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ ખાતે આ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. જેમાં ઉદઘાટક તરીકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સમારંભના અધ્યક્ષ તરીકે ભારત સરકારના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના રાજકીય-સામાજિક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

     શ્રી ખોડલધામ યુવા પ્રિમિયર લીગ (KYPL)માં રાજકોટ જિલ્લો, જેતપુર, જામનગર અને સુરેન્દ્રનગરની કુલ 32 ટીમો ભાગ લઈ રહી છે. દરરોજ 4 મેચનું આયોજન કરવામાં આવશે. જેમાં નોક આઉટ મેચ 10 ઓવરની, સેમીફાઈનલ મેચ 12 ઓવરની અને ફાઈનલ મેચ 14 ઓવરની રમાશે. ફાઈનલમાં વિજેતા ટીમને 51 હજાર રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે. જ્યારે રનર્સ અપ ટીમને 21 હજાર રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે. સાથે જ ટુર્નામેન્ટ દરમિયાન મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલરને આકર્ષિત પુરસ્કાર આપવામાં આવશે. દરરોજ ખેલાડીઓને કોલ્ડ્રીંક્સ અને નાસ્તો આપવામાં આવશે. શ્રી ખોડલધામ યુવા પ્રિમિયર લીગ (KYPL)ની દરેક મેચનું લાઈવ પ્રસારણ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને શ્રી ખોડલધામ યુવા સમિતિના ઓફિશિયલ ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે. સમગ્ર ટુર્નામેન્ટમાં સ્પોન્સરશિપ અને મેચ ફીમાંથી જે રકમ વધશે તે આખા વર્ષ દરમિયાન થતા સમાજ સેવાના કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવશે.

Related posts

Leave a Comment