હિન્દ ન્યુઝ, જામનગર
‘સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ દર માસે યોજવાનું સૂચન કર્યું છે.
જે અનુસાર જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૩-૦૪-૨૦૨૫ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને મામલતદાર (શહેર) કચેરીના મીટિંગ હોલમાં યોજવામાં આવશે.
તેથી આગામી તા.૧૮-૦૪-૨૦૨૫ સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમની અરજી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, જામનગર (શહેર)ને મોકલી દેવાની રહેશે. તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરતાં પહેલાં કોઈપણ અરજદારે ગ્રામ્યકક્ષાના પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અથવા ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઈએ અને તે અનિર્ણિત હોવી જોઈએ. તાલુકાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોવી જોઈએ. આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્નો ગામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ. કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો નહીં કરી શકે. જામનગર તાલુકાના નાગરિકોએ તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ, જામનગર(શહેર)ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
