વિદ્યાર્થીઓમા શાળાકીય અભ્યાસની સાથે સાથે કારકિર્દી ધડતર અંગે જાગૃતિ આવે તે માટે કારકિર્દી અને વ્યવસાયિક માર્ગદર્શન સેમિનાર

હિન્દ ન્યુઝ, રાજકોટ

     વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વ્યવસાયિક ઘડતર માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારની વિવિધ કચેરીઓ દ્વારા માર્ગદર્શક સેમિનાર યોજવામાં આવતા હોય છે. ત્યારે બી.આર.સી ભવન ધોરાજી, વ્યવસાયિક સંસ્થા અમદાવાદ (રાયખડ), જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, પ્રાદેશિક માહિતી કચેરી તથા રોજગાર નિયામકની કચેરીના સંયુક્ત ઉપક્રમે વી.જે.એસ.પટેલ કન્યા વિનય મંદિર ધોરાજી તથા સરકારી કન્યા શાળા તથા ભગતસિંહજી હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓમા શાળાકીય અભ્યાસની સાથે સાથે કારકિર્દી ધડતર અંગે જાગૃતિ આવે તે માટે કારકિર્દી અને વ્યવસાયિક માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.

સેમિનારમાં નિષ્ણાંતોએ વિદ્યાર્થીઓને ધો. ૧૦અને ૧૨ પછીના અભ્યાસક્રમો તથા કારકિર્દી માટેની વિવિધ તકો વિશે ઝીણવટપૂર્વક માહિતી પીરસી હતી. આ અવસરે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી રાજકોટના શાળા સલાહકાર ભાવનાબેન ભોજાણીએ વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રે નામાંકિત થયેલા મહાનુભાવોના સંઘર્ષ વિશે વાત કરી જીવનમાં ક્યારેય નાસીપાસ ન થવાની પ્રેરણા આપી હતી.

સહાયક માહિતી નિયામક પ્રિયંકાબેન પરમારે વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓથી મળતા લાભો વિશે વાત કરી હતી. તેમજ માહિતી ખાતાની કામગીરી અંગે વિસ્તૃત જાણકારી આપીને માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત થતા ગુજરાત પાક્ષિક મેગેઝિન, રોજગાર સમાચાર, કારકિર્દી માર્ગદર્શક વિશેષાંક, દીપોત્સવી અંક સહિતના મહત્વના પ્રકાશનો અંગે માહિતી આપી હતી.

રોજગાર કચેરીમાંથી ઉપસ્થિત રહેલા રાજેશભાઈ ચૌહાણે વિદ્યાર્થીઓએ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પછી શું કરવું? રોજગાર માટેના વિવિધ ક્ષેત્રો તેમજ એપ્લોયમેન્ટ કાર્ડ કઢાવવાની પ્રક્રિયા, અનુબંધમ પોર્ટલ વગેરે વિશે ચર્ચા કરી હતી. રોજગાર કચેરીના હમીરભાઈ ચૌહાણે વિદેશમાં અભ્યાસ માટે વિઝા, પાસપોર્ટ, લોનની પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપ્યું તું.

Related posts

Leave a Comment